ભાવનગર : છરીની અણીએ આધેડ પાસેથી રૂ. 1.90 લાખની લૂંટ, 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ

Update: 2019-12-02 10:04 GMT

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામે રહેતા આધેડને રિક્ષામાં પેસેંજર તરીકે બેસાડી 2 શખ્સો અકવાડા નજીક માર મારી છરીની

અણીએ રૂ. 1.90 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

ભાવનગરના ત્રાપજ ગામે રહેતા પરાક્રમસિંહ ગોહિલ પેસેંજર તરીકે રિક્ષામાં બેસી જતાં હતા. તે દરમ્યાન અજાણ્યા રિક્ષાચાલકે તેના સાગરીત સાથે મળી અકવાડા નજીક આધેડને ઢીકાપાટુનો માર મારી છરીની અણીએ રૂ. 1.90 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા. જે અંગે પરાક્રમસિંહ ગોહિલ દ્વારા પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષાચાલક તેમજ અન્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર, ફરિયાદી પરાક્રમસિંહ ગોહિલ તેમના સબંધી પાસેથી રૂ. 5 લાખ મેળવી, તેમાંથી 3 લાખ આંગડિયા પેઢીમાં જમા કરવી બાકીની રકમ લઇ પોતાના ગામ ત્રાપજ જતાં હતા. તે વેળાએ રિક્ષાચાલકે તેઓને લૂંટી લેવાનો કારસો ઘડી આનંદનગરમાં રહેતા તેના સાગરીતને ફોન કરી બોલાવ્યો હતો. ત્યાર બાદ રિક્ષાચાલક અને તેના સાગરીત દ્વારા અકવાડા સીમમાં લઇ જઇ પરાક્રમસિંહ ગોહિલને માર મારી છરી બતાવી રોકડ રૂ. 1.90 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. સમગ્ર બનાવના પગલે ઘોઘારોડ પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુન્હો કરી તપાસ હાથ ધરી હતી. ગત રાત્રીના સમયે રિક્ષાની ઓળખ થતા રિક્ષાચાલક નવાપરામાં રહેતો મહંમદ સૈયદ અને આનંદનગર વિસ્તારમાં રહેતો સદામ ઉર્ફે કાળીયો સતાર શાહને ઝડપી પાડી રીક્ષા જપ્ત કરી હતી. ઘોઘારોડ પોલીસે બન્ને શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બન્નેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Similar News