દિલ્હી: આંદોલનકારી ખેડૂતોના હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, જાણો વધુ

Update: 2021-01-26 14:19 GMT

આજરોજ દિલ્હીમાં આંદોલન કરતાં ખેડૂતોના હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આજે રેલીમાં થયેલી ઘટનાને લઈ દિલ્હી અને દિલ્હી સરહદના વિસ્તારોમાં CRPFની 10 કંપનીઓની તહેનાતી કરવામાં આવશે. દિલ્હીની સ્થિતિને લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને 2 કલાક સુધી બેઠક ચાલી હતી. બેઠકમાં આઇ.બી.ના નિર્દેશક અને ગૃહ સચિવ સહિત તમામ ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સેંસેટિવ સ્થળોએ વધુ ફોર્સ તહેનાત કરવામાં આવ્યા છે. સૂત્રોથી માહિતી મુજબ ગુપ્તચર એજન્સીઓને હજુ હિંસા થવાની આશંકા જણાઈ રહી છે.

આજરોજ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચમાં લાલકિલ્લા પર ખૂબ હોબાળો થયો હતો અને વાતાવરણ તંગ થઈ ગયું હતું. ખેડૂતો બેરિકેડ્સ તોડીને લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે ખાલસા પંથનો ઝંડો લહેરાવ્યો હતો. અહીં ખેડૂતોને લાલકિલ્લામાંથી બહાર કાઢવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. ત્યારપછી ખેડૂતોએ ઉપદ્રવ અને તોડફોડ શરૂ કરી દીધી હતી. બીજી બાજુ ITO પાસે ટ્રેક્ટર પલટી થવાને કારણે એક ખેડૂતનું મોત થયું છે. તણાવ વધતા અફવાઓ વધુ ન ફેલાય તે માટે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

Tags:    

Similar News