ભાવનગર: મહાનગર પાલિકાએ નોટિસ આપ્યા વિના ડીમોલેશનની કામગીરી કરી હોવાના સ્થાનિકોના આક્ષેપ

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરાઈ

Update: 2023-09-06 06:34 GMT

મહાનગર પાલિકા દ્વારા કુંભારવાડા વિસ્તારમાં ડિમોલેશન કરી દબાણો દૂર કરાતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાયો. કોઈપણ પ્રકારની નોટિસ વગર ડિમોલેશન કરાયું હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડિમોલેશન કામગીરી કરાઈ હતી. અને અસ્થાયી દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. ભાવનગર મહાનગર પાલિકાના મ્યુન્સિપલ કમિશનર એન.વી.ઉપાધ્યાયની સૂચનાથી મનપા એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં ડિમોલેશન કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભાવનગર શહેરના કુંભારવાડા ખોડિયાર ચોક મંદિરની પાછળના ભાગમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું.

એસ્ટેટ વિભાગની ટીમ JCB સાથે અચાનક સ્થળ પર પહોંચી હતી. અને લોકોના ઘરની બહાર બનાવવામાં આવેલા ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. જોકે મનપા દ્વારા અચાનક ડિમોલેશન કરવા આવતા સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. કોઈપણ પ્રકારની નોટિસ વગર એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલેશન કરી લોકોના ઘરની બહાર બનાવવામાં આવેલા ઓટલા તોડી નુકશન કરાયું હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરાયો હતો. આ જગ્યા નડતરરૂપ ન હોવા છતાં ડિમોલેશન કરાયું હોવાનું લોકો દ્વારા રોષ સાથે જણાવ્યું હતું. જોકે શહેરમાં અનેક મુખ્ય રસ્તાઓ પર દબાણો ખડકાયા છે. તેવા દબાણો મનપાને દેખાતા નથી અને ખૂણેખાચરે દબાણો દૂર કરી ડિમોલેશન કામગીરીનો દેખાવ કરાતો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Tags:    

Similar News