ગુજરાત રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે, ધારાસભ્ય દળના નેતા તરીકે પણ વરણી...

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

Update: 2022-12-10 08:00 GMT

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં ભાજપના ચૂંટાયેલા ભાજપના 156 ધારાસભ્યોએ આજે ગાંધીનગર કમલમ ખાતે મળેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી કરી હતી. તેમના નામનો પ્રસ્તાવ મુકાયા બાદ ધારાસભ્યોએ સર્વાનુમતે ભૂપેન્દ્ર પટેલ નામના પ્રસ્તાવને સમર્થન જાહેર કર્યું હતું. હવે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર શપથ લેશે.

શનિવારે સવારે ગાંધીનગરમાં કમલમ ખાતે સૌપ્રથમ કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય નિરિક્ષકો રાજનાથસિંહ, બીએસ.યેદીયુરપ્પા અને અર્જુન મુંડા દ્વારા કોર કમિટી સમક્ષ મુખ્યમંત્રી તરીકે નામ મૂકવામાં આવ્યું હતું. કોર કમિટી બેઠક બાદ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકાયો હતો. વિધાનસભા દળની બેઠકમાં CM પદ માટેનો પ્રસ્તાવ કનુ દેસાઈએ મુક્યો હતો, જેને ધારાસભ્ય પૂર્ણેશ મોદી, શંકર ચૌધરી, રમણ પાટકર અને મનીષા વકીલ ટેકો જાહેર કર્યો હતો. આ સાથે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે સોમવારે શપથ લેશે. બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા સહિતના કેન્દ્રીય નેતૃત્વને મળશે અને નવા મંત્રી મંડળ અંગે ચર્ચા કરશે. ગાંધીનગર હેલીપેડ મેદાન ખાતે સોમવારે તા. 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. આ સહિત તેમની સાથે તેનું મંત્રી મંડળ પણ શપથ લેશે.

Tags:    

Similar News