ડાંગ : વાંસદા નેશનલ પાર્કમાં "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"નું વન મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું

જિલ્લાના વાંસદા ખાતે આવેલ નેશનલ પાર્કમાં "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"નું વન્ય અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Update: 2024-03-07 08:58 GMT

ડાંગ જિલ્લાના વાંસદા ખાતે આવેલ નેશનલ પાર્કમાં "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"નું વન્ય અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે, વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી મુકેશ પટેલના હસ્તે, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજય પટેલની પ્રેરક ઉપસ્થિતમાં "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલે વાંસદા નેશનલ પાર્કમાં પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતા અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે તેમ જણાવ્યું હતું. આ અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા. જેમાં પડતી મુશ્કેલીઓથી વન વિભાગને રાહત મળશે. આ સાથે દીપડા જેવા પ્રાણીઓને રેસ્ક્યુ કરવા માટે અહીં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ વાન પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનાથી પ્રાણીઓનું રેસ્ક્યુ સરળતાથી થઈ શકશે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ રાધાક્રિષ્ના પ્રસાદે "વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર"ની સુવિધાઓથી સૌને વાકેફ કરાવ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, નર્મદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી, વાંસદા નેશનલ પાર્કના નવતાડ ખાતેના વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવશે. અહીં ઘવાયેલા પશુઓ તેમજ પ્રાણીઓને પ્રાથમિક આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવશે. વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમાં પ્રાણીઓ તેમજ પશુઓને રેસ્ક્યુ કરવા માટેના સાધનો ઉપલબ્ધ છે. આ પ્રંસગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળા ગાઇન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદર ગાવિત, વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનીશ્વર રાજા, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, આઈ.એફ.સે સુરેશ મીના, વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ, એ.સી.એફ. આરતી ભાભોર, વાંસદા નેશનલ પાર્કના અધિક્ષક ફરિદા વળવી તેમજ વન કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News