ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે વરદાન બનશે “કરૂણા અભિયાન”, રાજ્યભરમાં શરૂ કરાયા સારવાર કેન્દ્ર...

ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Update: 2024-01-13 08:26 GMT

ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ સહિત રાજ્યના તમામ જીલ્લામાં ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર ઊભા કરી કામગીરી કરવામાં આવી રહી છે.

ઉતરાયણ એટલે મકરસંક્રાંતિ અને મકરસંક્રાંતિ એટલે પતંગ ચગાવવાનો ઉત્સવ... મકરસંક્રાંતિના પર્વને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કરુણા અભિયાન અંતર્ગત તા. 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવવાના અભિગમને સાકાર કરવા વન તંત્ર સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ કામે વળગી છે. તો બીજી તરફ, ઉતરાયણમાં વહેલી સવારે અને સાંજના 5 વાગ્યે પતંગો ન ચગાવવા માટે વિવિધ શાળાના બાળકોમાં જનજાગૃતિ લાવવામાં આવી હતી.

આ સાથે જ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવાના હેતુથી સરકારના આદેશ મુજબ કરુણા અભિયાન ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલીમાં શરૂ થઈ ગયું છે. જેમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓ માટેનું કલેક્શન સેન્ટર અને ટ્રીટમેન્ટ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, જ્યારે પક્ષીઓ દોરાથી ઘાયલ ન થાય તેની જનજાગૃતિ જિલ્લાભરની સ્કૂલ, હાઇસ્કુલ અને કોલેજમાં થઈ રહી છે. ઉતરાયણના પર્વમાં પતંગોની મજામાં પક્ષીઓને સજા થઈ રહી હોય તે અંગેની જનજાગૃતિ અગાઉથી શરૂ કરવામાં આવી છે.

આમ, અમરેલી જિલ્લામાં પણ ઉતરાયણ પર્વને ધ્યાને લઇને છેલ્લા 19 વર્ષથી જનજાગૃતિ માટે કામ કરતી વન ચેરીટેબલ ટ્રસ્ટના 72 સભ્યોની ટીમ કરુણા અભિયાન અંતર્ગત કામગીરી કરી રહી છે. જેમાં તબીબો સાથેની ટીમ દ્વારા દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી અને પતંગથી પક્ષીઓને થતી દુર્ઘટના અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 221 શાળાઓમાં જનજાગૃતિ ફેલાવવા તેમજ માર્ગદર્શિત પત્રિકાઓનું વિતરણ કરીને વિદ્યાર્થીઓને શપથ લેવડાવવા સાથે ભગીરથ પુરુષાર્થ સ્થાનીક સંસ્થાઓ કરી રહી છે.

સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમરેલી જિલ્લામાં 6 કલેક્શન સેન્ટર અને 2 ટ્રીટમેન્ટ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. તો જુનાગઢ જિલ્લામાં પણ 9 કલેક્શન સેન્ટર અને 18 ટ્રીટમેન્ટ સેન્ટર, જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 8 કલેક્શન સેન્ટર અને 6 ટ્રીટમેન્ટ સેન્ટર ઊભા કરી વન તંત્રને સાથે ખભેથી ખભો મિલાવી કામગીરી કરવામાં આવતી હોવાનું જુનાગઢ વન વિભાગના CCF આરાધના સાહુએ જણાવ્યું હતું.

Tags:    

Similar News