લોકસભા ચૂંટણીમાં ફોર્મની ચકાસણી : ભરૂચ, નવસારી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં નામાંકન પત્રો ચકાસવામાં આવ્યા...

રાજ્યભરમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી અને સભાઓ ગજવી પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું

Update: 2024-04-20 14:18 GMT

ગતરોજ ચૂંટણી માટે ઉમેદવારીનો હતો અંતિમ દિવસ

 રાજ્યભરમાં ઉમેદવારોએ ભર્યા હતા પોતાના નામાંકન

તંત્ર દ્વારા ફોર્મ ચકાસણીની કામગીરી કરવામાં આવી

ભરૂચ, નવસારી, જુનાગઢ સહિતના જિલ્લામાં ચકાસણી

ફોર્મ પરત ખેંચાતા 2 દિવસ બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ

લોકસભા-2024ની ચૂંટણી માથે છે, ત્યારે આજે રાજ્યભરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી છે. ભરૂચ, નવસારી અને જુનાગઢ સહિતના તમામ જિલ્લાઓમાં ઉમેદવારી પત્રો ચકાસવામાં આવ્યા હતા. લોકસભા-2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો ગત તા. 19મી એપ્રિલના રોજ અંતિમ દિવસ હતો, ત્યારે રાજ્યભરમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી અને સભાઓ ગજવી પોતાનું નામાંકન પત્ર ભર્યું હતું, ત્યારે આજરોજ રાજ્યભરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

જેમાં ભરૂચ, નવસારી અને જુનાગઢ સહિતના તમામ જિલ્લાઓમાં ઉમેદવારી પત્રો ચકાસવામાં આવ્યા હતા. ભરૂચની વાત કરીએ તો, ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્રો ચકાસવામાં આવ્યા હતા. જેમાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તરફથી ભાજપના આગેવાન અને લીગલ એડવાઇઝર મહેન્દ્ર કંસારા, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા, ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર કુલ 26 ઉમેદવારી પત્રો ભરાયા છે. જેમાં 26 ઉમેદવારી પત્રો પૈકી 5 ઉમેદવારી પત્રો કોઈક કારણોસર રદ્દ થયા છે, ત્યારે હવે ભરૂચ લોકસભા બેઠક પર 13 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાને આવ્યા છે. આ ઉપરાંત 8 અપક્ષ ઉમેદવારોના ઉમેદવારી પત્રોને પણ માન્ય રાખવામાં આવ્યા છે. જેથી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ, ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય આદિવાસી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થશે. જોકે, સમગ્ર ચિત્ર 2 દિવસ બાદ ફોર્મ પરત ખેંચવાના દિવસે સ્પષ્ટ થશે તેવું લાગી રહ્યું છે.

તો બીજી તરફ, નવસારી લોકસભા ચૂંટણી-2024 માટે નવસારી સંસદીય મતદાર વિભાગમાં ગતરોજ કુલ 24 નામાંકન રજૂ કરવામાં આવ્યા હતા. નવસારી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું, ત્યારે આજરોજ નવસારી લોકસભા બેઠક પર ભરાયેલા તમામ ઉમેદવારોના ફોર્મની ચકાસણી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રેની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. અત્યાર સુધી 19 જેટલા ફોર્મની ચકાસણી કરવામાં આવી છે. જેમાં 2 મુખ્ય રાજકીય પક્ષના નેતાઓના ફોર્મ મંજૂર થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આગામી 2 દિવસ બાદ નવસારી લોકસભા બેઠકના ઉમેદવારોના નામ સ્પષ્ટ થઈ જશે.

આ તરફ, જુનાગઢ લોકસભા બેઠક ઉપર તમામ રાજકીય પક્ષના ઉમેદવારોના ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે નામાંકન પત્રો ચકાસવામાં આવ્યા હતા. ફોર્મની ચકાસણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં કુલ 26માંથી 22 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. કુલ 15 ઉમેદવારો જુનાગઢ બેઠક પર નોંધાયા છે. ભાજપ અને કોંગ્રેસના 2 ડમી ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. હવે જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા વચ્ચે સિધી ટક્કર થશે. ભાજપ, કોંગ્રેસ, બીએસપી, રાઈટ ટુ રિકોલ અને અપક્ષ વચ્ચે આ બેઠક પર ચૂંટણીનો ભારે જંગ જામ્યો છે.

Tags:    

Similar News