સાબરકાંઠા : PM મોદીની જાહેરસભા વેળા સાબરડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચાર રસ્તા સુધીનો રૂટ બંધ રહેશે !

Update: 2024-04-30 14:55 GMT

લોકસભા 2024ની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે આવતીકાલે ગુજરાતની સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરકાંઠા ખાતે સભાને સંબોધન કરશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદમાં આવેલ આમોદરા ગામની સીમમાં જંગી વિજય વિશ્વાસ સભા યોજાશે. આ સભા માટેની તમામ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આટોપી લેવામાં આવી છે.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનો મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં મુખ્ય રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે અનેક સભાઓ તેમજ અલગ અલગ પ્રકારના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાબરકાંઠા બેઠક પોતાના હસ્તક કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદી વિસ્તાર પાસે આવેલા આમોદરા ગામ ખાતે કરવામાં આવ્યું છે. આમોદરા ગામના સરકારી પડતર જગ્યા પર તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સભા મંડપ, પાર્કિંગ તેમજ તમામ પ્રકારની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આટોપી લેવામાં આવી છે, અને તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. એક લાખ કરતા વધુ લોકોની સંખ્યા સભા સ્થળે આવવાની હોવાને લઈ એક લાખ લોકોની બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સ્થાનિકોને સંબોધન કરશે. તો બીજી તરફ, PM મોદીની જાહેરસભા દરમ્યાન સાબરકાંઠાના સાબરડેરી ત્રણ રસ્તાથી રામપુરા ચાર રસ્તા સુધીનો રૂટ તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યો છે.

Tags:    

Similar News