સુરેન્દ્રનગર : સાયલા-ચોટીલા હાઇવે નજીક અકસ્માત બાદ કારમાં આગ, મહિલા બળીને ભડથું...

મહિલા કારમાં ફસાઇ જતા બળીને ભડથું થઇ ગઈ હતી. અકસ્માતની આ હચમચાવનારી ઘટના બાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી

Update: 2023-04-30 10:16 GMT

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા-ચોટીલા હાઇવે નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જસાપર ચોકડી પાસે રખડતાં ઢોર સાથે કાર અથડાતા કાર 10 ફૂટ ખાડીમાં ખાબકી હતી. ત્યારબાદ કારમાં આગ લાગી જતા એક મહિલાનું મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા હાઇવે નજીક અકસ્માત બાદ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી.

સમગ્ર પરિવારનો સલામત રીતે બચાવ થયો હતો, જ્યારે એક મહિલા કારમાં ફસાઇ જતા બળીને ભડથું થઇ ગઈ હતી. અકસ્માતની આ હચમચાવનારી ઘટના બાદ વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. બનાવના પગલે સાયલા પોલીસ ઘટના સ્થળે પહોંચી પાણીના ટેન્કરથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ મહિલાનું કરૂણ મોત નિપજ્યું હતું. બાદમાં મહિલાના મૃતદેહને કારમાંથી બહાર કાઢી પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલથી રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, પરિવાર નવસારીથી રાજકોટ તરફ જતો હતો, ત્યારે સાયલા પાસે રખડતા ઢોર સાથે તેમની કાર અથડાતા સમગ્ર બનાવ બન્યો હતો.

Tags:    

Similar News