કેન્દ્રએ મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના પુત્રને ગણાવ્યો 'આતંકવાદી',જાણો સમગ્ર વિગત

મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, "કેન્દ્ર સરકારનું માનવું છે કે હાફિઝ તલ્હા સઈદ આતંકવાદ સાથે સંકળાયેલો છે

Update: 2022-04-09 06:37 GMT

26/11ના મુંબઈ આતંકી હુમલામાં સરકારે શનિવારે મહત્વનો નિર્ણય લીધો હતો. આ અંતર્ગત હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું કે 46 વર્ષીય હાફિઝ તલ્હા સઈદ પણ ભારતમાં લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા હુમલાની યોજના, ભંડોળ અને ભરતીમાં સામેલ હતો.આ સાથે તે પાકિસ્તાનમાં હાજર એલઈટીના વિવિધ કેન્દ્રોની પણ મુલાકાત લેતો રહે છે.

આ મામલે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, "કેન્દ્ર સરકારનું માનવું છે કે હાફિઝ તલ્હા સઈદ આતંકવાદ સાથે સંકળાયેલો છે અને તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવો જોઈએ." 26 નવેમ્બર 2008ના મુંબઈમાં થયેલા આતંકી હુમલા પાછળ હાફિઝ સઈદનું મગજ હતું જેમાં 166 લોકોના મોત થયા હતા. થોડાં વર્ષ પહેલાં આ જ કાયદા હેઠળ તેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં તે આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા બદલ પાકિસ્તાનમાં કેદની સજા ભોગવી રહ્યો છે. ભારત વારંવાર પાકિસ્તાન પાસે તેની કસ્ટડીની માંગ કરી રહ્યું છે પરંતુ પાકિસ્તાન તેનો ઇનકાર કરી રહ્યું છે. 26/11ના હુમલા ઉપરાંત, એલઇટી ભારતમાં, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં શ્રેણીબદ્ધ હુમલાઓ માટે પણ જવાબદાર છે. આ હુમલાઓમાં સેંકડો નાગરિકો અને સુરક્ષા દળોએ જીવ ગુમાવ્યા છે.

Tags:    

Similar News