કુબેર ભંડારી મંદિર 31મી સુધી બંધ, ડાકોરના રણછોડરાય મંદિરમાં પંચતત્વની ધુપ

Update: 2020-03-18 10:38 GMT

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સુપ્રસિધ્ધ મંદિરોને પણ બંધ કરી દેવાયાં છે. ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલાં કુબેર ભંડારી મંદિરને 31મી માર્ચ સુધી બંધ કરી દેવાયું છે જયારે ડાકોરના રણછોડરાયના મંદિર ખાતે પંચદ્વવ્યોની ધુપ કરાઇ હતી.

ડભોઇ તાલુકાનાં નર્મદા નદીના કિનારે આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ કરનાળી ખાતે આવેલાં કુબેર ભંડારી મંદીરને 31મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં આવેલી ધર્મશાળા અને અન્નક્ષેત્રને બંધ કરી દેવાયાં છે. મંદિર સંચાલકોએ કુબેર ભંડારી દાદાના ઓનલાઇન દર્શન કરવા માટે અનુરોધ કર્યો છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે રાજય સરકારે કેટલાક પ્રતિબંધો મુકી દીધા છે.

જેના કારણે શાળાઓ અને કોલેજો તથા મલ્ટીપ્લેકસ હાલ બંધ છે. ખેડા જીલ્લાના ડાકોર ખાતે આવેલાં રણછોડરાયના મંદિર ખાતે પણ તકેદારીના પગલાં ભરવામાં આવી રહયાં છે. મંદિર ખાતે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંગળા આરતી હવે સવારે 7.45 કલાકે થશે અને સવારના 11 થી બપોરના 3 વાગ્યા સુધી મંદિરને બંધ રાખવામાં આવશે. સાંજે 6.30 વાગ્યાથી મંદિરને બંધ કરી બીજા દિવસે ખોલવામાં આવશે. બીજી તરફ મંદિરમાં લીમડાના પાન, કપુર અને ગુગળ સહિતના દ્વવ્યોની ધુપ કરી વાતાવરણને જંતુરહિત બનાવવાનો પ્રયાસ કરાયો હતો.

Similar News