સુરત : પાંડેસરામાં ધો-10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, “ઓનલાઈન શિક્ષણ” બન્યું મુખ્ય કારણ..!

Update: 2020-10-26 07:52 GMT

સુરત શહેરમાં ઓનલાઇન અભ્યાસે એક વિદ્યાર્થીનીનો ભોગ લીધો છે. પાંડેસરા વિસ્તારમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ઓનલાઇન અભ્યાસથી કંટાળી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ડિસન્ટ ચાઈલ્ડ હાઈસ્કૂલમાં 14 વર્ષીય આકાંક્ષા તિવારી અભ્યાસ કરતી હતી. જોકે છેલ્લા 7 મહિના કરતા વધુ સમયથી કોરોના અને લોકડાઉનના કારણે શાળાઓ બંધ રહેતા શાળા દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ વિદ્યાર્થીનીના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પિતા પાસે ફક્ત એક જ ફોન હતો, જેને પણ તેઓ નોકરીએ લઈ જતા હતા. જેથી શાળા દ્વારા અપાતા ઓનલાઇન અભ્યાસમાં વિદ્યાર્થીની પૂરતું ધ્યાન આપી શકતી ન હતી.

એક જ મોબાઈલ હોવાના કારણે ઓનલાઈન અભ્યાસ કરવો વિદ્યાર્થીની માટે મુશ્કેલ બન્યું હતું. જેની ફરિયાદ વિદ્યાર્થિનીએ તેના પિતાને વારંવાર કરી હતી. ઓનલાઇન અભ્યાસને કારણે ચિંતિત આ વિદ્યાર્થિનીએ ગત શનિવારે મોડી રાત્રે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. પિતા તરફથી શાળા સંચાલકો અને સરકારને એક વિનંતી કરવામાં આવી છે કે, ઓનલાઈન અભ્યાસના કારણે ઘણા વિદ્યાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. જે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ છે, તેવા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડવા કરતા તેમની માનસિક સ્થિતિ ભાંગી રહી છે. જેનો ભોગ તેમની દીકરી બની છે, ત્યારે પાંડેસરા પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags:    

Similar News