સુરત: ક્રેડિટ સોસાયટીના નામે રૂ. 391 કરોડની ઉચાપતનો મામલો, ક્રાઇમ બ્રાન્ચે કરી આરોપીની ધરપકડ

Update: 2020-02-04 11:57 GMT

અમદાવાદ સહિત રાજકોટ શાહરેમાં ક્રેડિટ સોસાયટીની શાખાઓ ખોલી રૂપિયા 391 કરોડની ઉચાપત કરી આરોપી ફરાર થઈ ગયો હતો, ત્યારે લોકોના મહેનતની કમાણી લઈ રફ્ફુચકર થનાર આરોપીની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે.

રાજસ્થાનમાં નવજીવન કો.ઓ. ક્રેડિટ સોસાયટી લિમિટેડની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી, ત્યારે કંપનીની હેડ ઓફિસ પણ રાજસ્થાનમાં બાડમેર રોડ નજીક શરૂ કરાઇ હતી. રાજસ્થાનના વિવિધ શહેરો તથા ગુજરાતના રાજકોટ અને અમદાવાદમાં પણ અન્ય શાખાઓ મળી 200થી વધુ બ્રાન્ચ શરૂ કરાઇ હતી. જેમાં શહેરના લોકોને લોભામણી સ્કીમો બતાવી સેંકડો રોકાણકારોના નાણાં રોક્યા હતા. કંપનીએ 1.93.821 લોકો પાસેથી રૂપિયા 391 કરોડ રોકાણના નામે પડાવ્યા હતા. લોકો દ્વારા કરોડોનું રોકાણ થયા બાદ ઓફિસને તાળા મારી ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

સમગ્ર મામલે રાજસ્થાન અને ગુજરાતની કંપનીના એમ.ડી. ગિરધરસિંગ સોઢા, ચીફ જનરલ મેનેજર જોગેન્દ્રસિંહ રાઠોડ, સિનિયર જનરલ મેનેજર દિનેશ શર્મા, ચીફ એકાઉન્ટન્ટ પરષોત્તમ જાગીડ અને મુખ્ય સલાહકાર સંતોષી સામે ગુનો નોંધાયો હતો. રોકાણકારોના મહેનતની કમાઈના કરોડો રૂપિયા ચાઉં કરી ફરાર થઈ જતા ભારે હંગામો મચ્યો હતો. કંપનીના આ 391 કરોડના ફુલેકામાં એમ.ડી. અને ચીફ જનરલ મેનેજર ઝડપાઇ ગયા હતા, જ્યારે અન્ય આરોપીઓ નાસતા ફરતા હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ડુમ્મસ રોડ ઉપર મગદલ્લા પોર્ટ નજીક સાઈ રેસિડેન્સીમાં રહેતા સંતોષ જોશીને પણ ઝડપી પાડ્યો છે. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Similar News