વડોદરા : ચોરંદા ગામે શિકાર દરમ્યાન મિસ ફાયર થતાં એક વ્યક્તિનું મોત, મૃતકના પરિજનોને હત્યાની આશંકા

Update: 2021-01-15 12:13 GMT

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં ગત મોડી રાત્રે નીલ ગાયનો શિકાર કરવા આવેલી ટોળકીએ ખાનગી રિવોલ્વરમાંથી નીલ ગાય ઉપર ફાયરિંગ કર્યુ હતું. જોકે, ફાયરિંગ દરમ્યાન ટોળકીના જ એક સાગરીતને છાતીમાં ગોળી વાગતાં તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે યુવાનની હત્યા થઈ હોવાની પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના હલદરવા અને જંગાર ગામની નીલ ગાયનો શિકાર કરતી ટોળકી ગત મોડી રાત્રે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં નીલ ગાયનો શિકાર કરવા માટે પહોચી હતી. જેમાં ટોળકી દ્વારા નીલ ગાયનો શિકાર કરતી વેળા મિસ ફાયર થતાં ટોળકીના જ અન્ય સાગરીતને ગોળી વાગતા ઇજા પહોચી હતી. ઘટના બાદ ટોળકીના સાગરીતો ઇજાગ્રસ્તને લઇ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંડા ગામે રહેતા આસીફ ઝગારીયાવાલા તેઓના એક અન્ય મિત્રો સાથે ગત રોજ સાંજના સમયે જંગલી જાનવરના શિકાર માટે ગયા હતા. ત્યારબાદ તેમના ભાઈ ઉપર રાતે એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો કે, તેમના ભાઈને ગોળી વાગી છે. આ સાંભળતા જ આશીફના ભાઈ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ આસિફને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા હતા, પરંતુ, માર્ગમાં જ આશીફનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે હાલ તો કરજણ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ મૃતકના પરિજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Tags:    

Similar News