વડોદરા : મનપાની કચેરીનો કલાર્ક 4 હજારની લાંચ લેતા ઝડપાયો, જુઓ કેમ માંગી હતી લાંચ

Update: 2020-01-27 11:48 GMT

વડોદરા મહાનગર પાલિકામાં મિલકતનું રિએસેસમેન્ટ કરી વેરો ઘટાડી આપવાનું ષડયંત્ર ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. મિલકત ધારક પાસેથી 4 હજાર રૂપિયાની લાંચ લેતાં કલાર્કને એસીબીએ ઝડપી પાડયો છે.

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હાલમાં વેરા વસુલાતની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વહીવટી વોર્ડ નંબર-12માં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગોપાલ રાણા મિલકત રીએસેસમેન્ટની કામગીરી કરે છે. વોર્ડ નંબર-12માં આવેલી એક મિલકતના માલિકને મનપા તરફથી નોટિસ આપવામાં આવી હતી. આથી મલિકત ધારક ક્લાર્ક ગોપાલ રાણાને મળ્યા હતા.

ક્લાર્ક ગોપાલ રાણાએ મિલકતનું રિએસેસમેન્ટ કરીને વેરો ઓછો આવે તે રીતે કરી આપવા માટે રૂપિયા 4000 લાંચની માંગણી કરી હતી. પોતાની મિલકત કાયદેસર હોવાથી તેમજ વધારાનું બાંધકામ કર્યું ન હોવાથી મિલકત ધારકે લાંચ બાબતે એસીબીમાં ફરિયાદ કરી હતી. એ.સી.બી.એ સવારે છટકુ ગોઠવી મિલકત ધારક પાસેથી રૂપિયા 4000ની લાંચ લેતા ક્લાર્ક ગોપાલ રાણાને રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. ક્લાર્ક સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તેમની મિલકતોની તપાસ શરૂ કરાઇ છે.

Similar News