વડોદરા : સ્વાયતની સંસ્થાઓની 290 બેઠકો માટે શાંતિમય માહોલમાં મતદાન સંપન્ન

Update: 2021-02-28 11:57 GMT

વડોદરા જિલ્લામાં આવેલી નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં શાંતિમય માહોલમાં મતદાન સંપન્ન થયું છે. 290 બેઠક માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોનું ભવિષ્ય મતદાતાઓએ ઇવીએમમાં સીલ કરી દીધું છે. મંગળવારે મતોની ગણતરી હાથ ધરવામાં આવશે.

વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની 290 બેઠકો માટે રવિવારના રોજ મતદાન યોજવામાં આવ્યું હતું. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 290 બેઠકો પર ઉમેદવારી કરનારા 770 ઉમેદવારોના ભાવિ પર મતદારોએ મતદાનથી મહોર મારી દીધી છે. મતદારોએ કોને મત આપ્યો તે જાણવા માટે બીજી માર્ચ સુધી રાહ જોવી પડશે. ડભોઇના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે ડભોઇના વોર્ડ નં-1ના સ્વામિનારાયણ મંદિરના મતદાન મથક પર પત્ની સાથે મતદાન કર્યું હતું.

બીજી તરફ વડોદરા જિલ્લાના ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે વડોદરા તાલુકાના અનગઢ અને બાજવા ગામોના મતદાન મથકોની મુલાકાત લઈને મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાની સાથે વ્હીલ ચેરમાં બેસી મતદાન કરવા જતાં વડીલ મતદાર મહિલા સાથે સંવાદ કર્યો હતો અને દિવ્યાંગ મતદાતા સહાયક સુવિધા અને સ્વયં સેવકો ની કામગીરી અંગે ચકાસણી કરી હતી. વડોદરા જિલ્લામાં શાંતિમય માહોલમાં મતદાન પુર્ણ થતાં વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મતદાન બાદ હવે વહીવટીતંત્ર બીજી તારીખે થનારી મત ગણતરીની તૈયારીઓમાં લાગી ગયું છે.

Tags:    

Similar News