અખોડ ગામે ત્રણ યુવાનોના રહસ્યમય મોતથી અનેક તર્કવિતર્ક

Update: 2019-12-03 10:25 GMT

શ્રમજીવી યુવકોના મોતનું સાચું કારણ શોધવામાં પોલીસના હવાતિયાં

વાગરાના અખોડ ગામે ત્રણ યુવાનોના રહસ્યમય મોત થી ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્રણેય યુવાનોએ જંતુનાશક દવાની ઝેરી અસર થઇ હોવાની વ્યાપક ચર્ચાઓ ના જોર વચ્ચે ત્રણેવ યુવાનોએ ઝેરી દવા ગટગટાવી હોવાની પણ વાતો વહેતી થઇ હતી. આ મામલે ત્રણ જુવાનિયાઓના અકાળે મોત પાછળ ક્યુ કારણ જવાબદાર છે તે શોધી શકવામાં વાગરા પોલીસ વામણી પુરવાર થઇ રહી છે. જેને પગલે અખોડ ગામ સહિત પંથકની પ્રજામાં પોલીસ ની કામગીરી ને લઈને અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

વાગરા તાલુકાના અખોડ ગામે રાઠોડ સમાજના ત્રણ યુવાનોના મોત થી માતમ છવાઈ ગયો હતો. અખોડ થી નાંદરખાં જવાના માર્ગ પર આવેલ ગૌચરણ તલાવડી ની પાળ પાસે યુવાનો બેહોશ અવસ્થામાં મળી આવ્યા હતા.જેઓની તપાસ કરતા ઉક્ત ત્રણેય યુવાનોને ઝેરી દવાની અસર થઈ હોવાનું માલુમ પડતા તેમને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. શ્રમિક પરિવારના ત્રણ યુવકોના અકાળે મોત થતા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.બનાવ ને આજે એક સપ્તાહ નો સમય પૂર્ણ થવાને આરે છે. પણ પોલીસ હજી સુધી ત્રણેય આશાસ્પદ યુવકો ના મોત નું સાચું કારણ શોધવામાં નિષ્ફળ નીવડી છે. છાસવારે અખોડ ગામના આંટા ફેરા કરતી પોલીસ ની તપાસ માત્ર કાગળ પર જ ચાલતી હોય તેમ લાગી રહ્યુ છે.આટલી ગંભીર બાબતે પણ પોલીસ નિષ્ક્રિયતા દાખવતી હોવા નો સુર ઉઠતા પંથકમાં પોલીસ ની કામગીરી સામે અનેક સવાલો પ્રજામાં ઉભા થયા છે.

Similar News