વલસાડ : પત્રકાર વેલફેર એસોસીએશન દ્વારા પત્રકાર એવોર્ડ સમારંભ યોજાયો, પ્રિન્‍ટ-ઇલે. મીડીયાને વિવિધ કેટેગરીમાં એવોર્ડ અપાયા

Update: 2021-02-16 04:04 GMT

વલસાડ પત્રકાર વેલફેર એસોસીએશન દ્વારા પત્રકાર એવોર્ડ સમારંભ સુરત એડીશનલ ડી.જી. ડૉ. રાજકુમાર પાંડીયન, જિલ્લા કલેકટર આર.આર.રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા અને જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.

આ અવસરે ડૉ. રાજકુમાર પાંડીયને જણાવ્‍યું હતું કે, લોકશાહીમાં મીડીયાની અવગણના ન કરી શકાય. સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં પણ મીડીયાનું મહત્ત્વનું યોગદાન રહયું છે. ભારતની લોકશાહીમાં પણ મીડીયાનો મહત્‍વનો ફાળો છે. સરકાર વિના વર્તમાન પત્રો અને વર્તમાન પત્રો વિના સરકાર શકય નથી. વહીવટી તંત્રના હકારાત્‍મક અને નકારાત્‍મક પાસાંઓ મીડીયા યોગ્‍ય સમયે રજૂ કરે તે જરૂરી છે. મીડીયાનો અભિગમ પ્રજાને ધ્‍યાને રાખીને હોવો જોઇએ તેમ જણાવ્‍યું હતું.

વલસાડ કલેકટર આર.આર.રાવલે જણાવ્‍યું હતું કે, પત્રકારત્‍વએ સમાજનો એક ધર્મ છે. આજનો કાર્યક્રમ એ પત્રકાર અને જનકલ્‍યાણ એક થાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. પત્રકારત્‍વ યુગોથી ચાલ્‍યો આવ્‍યો છે. સમયાંતરે તેનું સ્‍વરૂપ બદલાયું છે. પત્રકારત્‍વ હકારાત્‍મક અને કર્તવ્‍યનિષ્‍ઠ હોવું જોઇએ. સામાજિક જવાબદારી નિભાવવાની જવાબદારી પત્રકારોની છે. સત્‍યની ખોજ સહી પણ સનસનીખેજ નહીં સત્‍યની ખોજ સામાજીક જવાબદારી છે. પત્રકારત્‍વની સાથે કર્તવ્‍ય પરાયણની સામાજિક જવાબદારી પ્રસ્‍થાપિત કરવા બદલ પત્રકાર વેલફેર એસોસીએશનને શુભેચ્‍છા પાઠવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે મીડીયાનું મહત્ત્વ સમજાવી તંત્ર એ પ્રજા વચ્‍ચે સેતુરૂપ કામગીરી હોવાનું જણાવી શુભકામના પાઠવી હતી. આ અવસરે પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનિકસ મીડીયાને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્‍યા હતા. જેમાં બેસ્‍ટ પોઝીટીવ સ્‍ટોરી, હયુમન ઇન્‍ટરેસ્‍ટ સ્‍ટોરી, હટકે સ્‍ટોરી, ફોટો સ્‍ટોરી, ઇન્‍વેસ્‍ટીગેટીવ સ્‍ટોરી, ઇમ્‍પેકટ સ્‍ટોરી તથા વિવિધ ક્ષેત્રે નામના મેળવનારાઓ અને કોરોના કાળમાં પોતાનું સામાજીક દાયિત્‍વ અદા કરનારી 40 જેટલી સંસ્‍થાઓનું પણ મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમના પ્રારંભે વલસાડ વેલફેર એસોસીએશનના પ્રમુખ હર્ષદ આહિરે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવ્‍યો હતો. આ અવસરે મીડીયા જગતના કર્મીઓ અને નગરશ્રેષ્‍ઠીઓ વિશેષ હાજર રહ્યા હતા.

Tags:    

Similar News