અમદાવાદ દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યુ

Update: 2017-07-09 07:04 GMT

અમદાવાદ શહેરને દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારે દેશમાંથી માત્ર અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળે તે માટે યુનેસ્કોમાં નોમિનેશન મોકલ્યું હતું, જ્યાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી ઘોષિત કરી દીધું છે. આમ દેશમાં અમદાવાદ પહેલું શહેર છે જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. વર્લ્ડ હેરિટેજના ટેગને લીધે અમદાવાદમાં પર્યટન ઉદ્યોગને વેગ મળશે, સાથે સાથે રોજગારીની તકો પણ વધશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં હેરિટેજ ખાતા દ્વારા સાત વર્ષ સુધી યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સિટીનાં નોમિનેશન માટે ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું હતુ. જેમાં શહેરના કોટ વિસ્તારની પોળનાં હેરિટેજ મકાનો તથા હેરિટેજ ઇમારતોનો સર્વે કરાવી ડોઝિયર તૈયાર કરાયું હતું.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કેન્દ્ર સરકારને ડોઝિયર મોકલ્યું હતું, જેમાં કેન્દ્ર સરકારે દેશનાં પ્રથમ હેરિટેજ સિટીના દરજ્જા માટે યુનેસ્કોમાં અમદાવાદનું નોમિનેશન કર્યું હતું. પોલેન્ડ ખાતે ૨ થી ૧૨ જુલાઈ દરમિયાન વર્લ્ડ હેરિટેજ સિટીનાં અમદાવાદ સહિત અન્ય દેશોનાં સિટીનાં નોમિનેશન માટે મોકલાયેલાં ડોઝિયર ઉપર ચર્ચા થઇ હતી. અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીએ વિસ્તૃત ચર્ચા બાદ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ઘોષિત કર્યુ હતુ.

 

Similar News