ભરૂચ કસક ગરનાળુ ફોર વ્હીલ વાહનો માટે બંધ કરાય તેવી શક્યતા

Update: 2018-02-15 11:32 GMT

નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલા બ્રિજની કામગીરી દરમિયાન કસક ગરનાળાને 3 માસ માટે ફોર વ્હીલ વાહનો માટે બંધ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. જોકે આ માર્ગ બંધ કર્યા વગર પણ બ્રિજની કામગીરીને નિર્વિઘ્ને પાર પાડવા માટેનો વિકલ્પ પણ શોધવામાં આવી રહ્યો છે.

ગોલ્ડન બ્રિજને સમાંતર નવો ફોર લેન બ્રિજ બની રહયો છે. જેમાં શીતલ સર્કલ તરફનાં છેડા પર પીલર્સ નાખવામાં આવી રહયા છે. ચાર પીલર્સની કામગીરી માટે કસક ગરનાળાને બંધ કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. પીલર્સ બનાવવા માટે કસક ગરનાળાને 3 માસ માટે ફોર વ્હીલ વાહનો માટે બંધ કરવા સંદર્ભમાં માર્ગ અને મકાન વિભાગે કલેકટર કચેરીમાં દરખાસ્ત મોકલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જોકે કસક ગરનાળાને બંધ રાખ્યા સિવાય પીલર્સની કામગીરી થઇ શકે કે કેમ તેવા વિકલ્પ શોધવામાં આવી રહયા છે. ત્યાર બાદ વહીવટીતંત્ર તરફ થી સત્તાવાર જાહેરનામુ બહાર પાડવામાં આવશે. જો ગરનાળાને બંધ કરાશે તો ફોર વ્હીલ વાહનોએ ભોલાવ ફલાય ઓવરનો ઉપયોગ કરવાનો રહેશે.અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય તેવી ભીતી સેવાઈ રહી છે.

 

Similar News