ભરૂચ : મુખ્ય સુત્રધારે સાગરિતોને ખવડાવી કસમ અને પછી ઉટીયાદરાની કંપનીમાં ખેલાયો ખુની ખેલ

Update: 2019-09-30 09:58 GMT

અંકલેશ્વરના ઉટીયાદરા ગામ નજીક બંધ પડેલી પી.જી.ગ્લાસ કંપનીમાં 3 વોચમેનની હત્યા કરી લૂંટ ચલાવવાના પ્રકરણમાં ભરૂચ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે લૂંટ વીથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીને સુરતના અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડયાં છે. આ ઘટનામાં મુખ્ય સુત્રધાર લાલા સહિત આઠ આરોપીઓ હજી ફરાર છે પણ લાલાએ લૂંટ કરતા પહેલા તેના સાગરિતોને મિજબાની કરાવી હતી અને તેમાં કસમ ખવડાવી હતી કે કંપનીના સીકયુરીટીનો સામનો કરવો અને કોઇ પણ ભાગશે અને અને ભાગશે તેના પર માતાજીનો કોપ વરસશે.

ઉટીયાદરા ગામ પાસે આવેલી પી.જી. ગ્લાસ કંપની 3 વર્ષથી બંધ હાલતમાં છે પણ તેમાં કરોડો રુપિયાની મશીનરી યથાવત પડી છે. થોડા દિવસ અગાઉ 20થી વધારે લૂંટારૂઓ લૂંટ કરવાના ઇરાદે કંપનીમાં ત્રાટકયાં હતાં. કંપનીમાં હાજર તમામ 6 વોચમેને લુંટારૂઓને પડકાર્યા હતાં જેમાં લૂંટારૂઓએ હીંસક હુમલો કરતાં 3 વોચમેનના મોત થયાં હતાં. ઘટના બાદ ભરૂચના એસપી રાજેનદ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં સુરતના અમરોલી વિસ્તારમાંથી પાંચ લૂંટારૂઓને તમંચા અને જીવતા કારતુસો સાથે ઝડપી લેવામાં આવ્યાં છે. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં ચંદ્રપાલ, સુનિલ, અનિલ, અંકુર અને દિવ્યેશનો સમાવેશ થાય છે. જયારે મુખ્ય સુત્રધાર લાલા સહિત અન્ય 8 આરોપી ફરાર હોવાથી તેમને ઝડપી પાડવા કવાયત ચાલી રહી છે.

ખેતરમાં માણેલી મિજબાનીથી પોલીસને મહત્વની કડી મળી :

ઉટીયાદરામાં લૂંટની ઘટના બાદ પોલીસે ડોગ સ્કવોડની મદદ લીધી હતી. પોલીસનો ડોગ કંપનીની નજીકમાં આવેલા એક ખેતરમાં જઇને અટકી ગયો હતો જયાંથી પોલીસને કીમ પાસે આવેલી હોટલ રોયલ ઇનના ખાલી ડબ્બા મળી આવ્યાં હતાં. જેના આધારે પોલીસે હાઇવે પર આવેલી હોટલોના સીસીટીવીના ફૂટેજ મેળવ્યાં હતાં તેમજ લૂંટારૂઓને દબોચી લેવા માટે બાતમીદારો કામે લગાડ્યાં હતાં. જેમાં લૂંટારૂઓ અમરોલી કોસાડના હોવાની ચોકકસ માહીતી મળી હતી.

કેવી રીતે આપ્યો હતો લૂંટની ઘટનાને અંજામ :

જેના આધારે છાપો મારી પાંચ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓ પીકઅપ વાનમાં અમરોલીથી ઉંટીયાદરા આવ્યાં હતાં અને કંપનીની દિવાલ કુદી અંદર પ્રવેશ કર્યો હતો. લૂંટ કરતાં પહેલા તેમણે ખેતરમાં મીજબાની માણી હતી તેમ આરોપીઓએ જણાવ્યું હતું. આ મિજબાની પોલીસને આરોપીઓ સુધી દોરી ગઇ હતી.

Tags:    

Similar News