મોદી અને શ્રીલંકન રાષ્ટ્રપતિએ જાફનામાં નવીનીકરણ  સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન

Update: 2016-06-18 11:32 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ શ્રીલંકાના લોકો માટે જાફના ખાતે નવીનીકરણ દુરઇઅપ્પા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેના સ્ટેડિયમ ખાતે હાજર હતા જ્યારે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી આ ઇવેન્ટમાં જોડાયા હતા.

જાફનાના ભૂતપૂર્વ મેયર આલ્ફ્રેડ થામ્બીરાજાની યાદમાં બનાવવામાં આવેલા આ સ્ટેડિયમનું રિનોવેશન ભારત દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ભારતે સાત કરોડ રૂપિયાની સહાય કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વર્ષ 1997થી આ સ્ટેડિયમ કોઇ ઉપયોગમાં આવતુ નહોતું. આ સ્ટેડિયમ શ્રીલંકાના ઉત્તરિય પ્રાંતના યુવાનોના વિકાસમાં સહાયતા રૂપ બનશે.

આ નવીનીકરણ સ્ટેડિયમમાં મોદી અને સિરિસેના ફરી એક સાથે જોવા મળશે. વિશ્વ યોગા દિનની ઉજવણી અહીં કરવામાં આવનાર છે. જેમાં આશરે 8000 લોકો ભાગ લેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

દુરઇઅપ્પા સ્ટેડિયમના રિનોવેશનમાં આર્થિક મદદ કરવા માટે શ્રીલંકન રાષ્ટ્રપતિએ ભારત સરકારનો આભાર માન્યો હતો.

Similar News