સોમનાથના સમુદ્રતટ પર દેખાતી ડોલફીન થઈ લુપ્ત

Update: 2018-07-03 04:57 GMT

દરિયાઈ પ્રદુષણથી આજે ડોલફીન જોવાનો લ્હાવો ભુતકાળ બની ગયો

સોમનાથના સમુદ્ર તટ પર ભીડીયાથી હિરાકોટ બંદર સુધી થોડા વર્ષો પહેલા દરિયામાં ઉછળકુદ કરતી ડોલફીન જોવી એક લ્હાવો હતો. આજથી થોડા વર્ષ પહેલા વેરાવળથી સોમનાથ મંદિરે દર્શન કરવા જવા માટે આ જ રસ્તો પ્રચલીત હતો. અને ત્યારે સોમનાથ મહાદેવના દર્શન સાથે દરિયામાં ઉછળકુદ કરતી ડોલફીનનો રોમાંચક નજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પરંતુ દરિયાઈ પ્રદુષણથી આજે ડોલફીન જોવાનો લ્હાવો ભુતકાળ બની ગયો છે.

દરિયાઈ પ્રદુષણને નાથવા માટે ભારત વર્ષના આસ્થાના કેન્દ્ર સોમનાથના સાનિધ્યે સ્થિત વેરાવળ વાસીઓના મોબાઈલ ફોન પર હાલ ક્લીન એન્ડ ગ્રીન વેરાવળનો નાદ ગુંજતો થયો છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી વેરાવળના ૭ જુવાનીયાઓએ આ મુહીમ ઉપાડી છે. જેમાં તેમણે કોઈ ગલી કે રસ્તો લેવાને બદલે સોમનાથ મંદિર નજીકનો અદ્ભુત નજારો ધરાવતા બાણગંગાનો સમુદ્રતટ પસંદ કરી ત્યાં સફાઈ અભિયાનનો પ્રારંભ કર્યો. આ સ્થળ વેરાવળના લોકોને પ્રિય છે. જેથી તેમને સારો એવો લોક સહકાર મળી રહ્યો છે.

દરિયામાં પ્લાસ્ટિક ફેંકાતા તેના સુક્ષ્મ કણ જાણે-અજાણે મચ્છીના પેટમાં જાય છે આવી માછલી વિદેશમાં નિકાસ થાય ત્યારે પ્રદુષિત હોવાને કારણે કરોડો રૂપિયાના કાર્ગો રીજેક્ટ થાય છે. દરિયાઈ સૃષ્ટીનું અને સુંદરતાનું જતન કરવા લોકોએ દરિયાને પ્રદુષિત થતો બચાવવો જરુરી છે.

 

Similar News