હવે જૂના વાહનોમાં HSRP ૩૧ જુલાઈ સુધી લગાવી શકાશે

Update: 2018-05-09 04:28 GMT

રાજ્યમાં ફરતા જૂના વાહનો પર હાઈ સિક્યોરીટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવાની મુદત હવે ૩૧ જૂલાઈ, ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ લાખો જૂના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી હોઈ ફરી એકવાર મુદતમાં વધારો કરાયો છે.

વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યા બાદ ૨૦૧૨થી રાજ્યમાં વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જૂના વાહનોમાં પણ HSRP નંબર પ્લેટ લગાવવા માટેની સૂચના બાદ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં વાહનમાલિકોને ગત ૩૦ એપ્રિલ સુધીમાં વાહનોમાં HSRP નંબર પ્લેટ ફીટ કરી દેવા માટે આદેશ અપાયો હતો.

જોકે, ૩૦ એપ્રિલે મુદત પૂર્ણ થઈ તે પછી પણ લાખો વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાથી રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ જૂના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જોકે, તે સમયે તેમણે ચોક્કસ તારીખ આપી ન હતી. પરંતુ યોગ્ય સમય સુધી મુદત વધારાશે તેમ જણાવ્યું હતું. દરમિયાન, મંગળવારે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા આ મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને જૂના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાની મુદત ૩૧ જૂલાઈ, ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. જેના પગલે હવે વાહન માલિકો તેમના જૂના વાહનોમાં ૩૧ જુલાઈ સુધી નંબર પ્લેટ ફીટ કરાવી શકશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Tags:    

Similar News