/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-128.jpg)
કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં આણંદ અને ખેડા જિલ્લામાં તેની અસર વર્તાઇ રહી છે. મહીસાગર નદીના પાણીથી નીચાણવાળા વિસ્તારોમાં ખાનાખરાબી ન સર્જાઇ તે માટે તંત્ર સતર્ક બની ગયું છે.
રાજયભરમાં મેઘરાજા મહેર વરસાવી રહયાં છે અને મોટાભાગના ડેમો અને જળાશયો છલકાઇ ઉઠયાં છે. કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં સાત લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના પગલે આણંદના 4 તાલુકાના 18 ગામો ને તેમજ ખેડા જિલ્લાના 12 ગામોને હાઇ એલર્ટ કરી દેવાયાં છે. સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે અધિકારીઓ તથા તલાટીઓને હેડ કવાટર્સ નહી છોડવા માટે કલેકટરે આદેશ કર્યો છે. હાલ ડેમમાંથી સાત લાખ કયુસેક પાણી છોડાઇ રહયું છે પરંતુ 8.65 લાખ કયુસેકથી વધારે પાણી છોડવામાં આવે તો આંકલાવ તાલુકાના 5 ગામોને બ્લુ એલર્ટ આપવામાં આવશે. હાલના તબકકે વહીવટીતંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાવધ રહેવા તથા નદી કિનારે નહી જવા માટે અપીલ કરી છે.