અંકલેશ્વરને ભરડામાં લઇ રહયું છે હવા પ્રદુષણ

New Update
અંકલેશ્વરને ભરડામાં લઇ રહયું છે હવા પ્રદુષણ

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના આમ તો પ્રદુષણની માત્રાને કાબુમાં રાખવા માટે કરાઇ છે પણ જીપીસીબીનું તંત્ર હવા પ્રદુષણને કાબુમાં લેવામાં નિષ્ફળ નીવડયું છે. અને એર કવોલીટી ઇન્ડેકસ 74ને પાર કરી ગયો છે. પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે જીપીસીબી દોષનું ઠીકરૂ ઉદ્યોગો પર ફોડી રહયું હોય તેમ લાગી રહયું છે. જીપીસીબીની દંડનીય કાર્યવાહી સામે હવે રાજયભરમાંથી વિરોધ ઉઠી રહયો છે. કોંગ્રેસના આગેવાનો અને પર્યાવરણવિદો પણ હવે જીપીસીબીની કાર્યવાહી સામે આંગળી ચીંધી રહયાં છે.

અંકલેશ્વરના એક સ્થાનિક અધિકારીના બેધારા વલણ અને એકને ખોળ અને બીજાને ગોળવાળી નિતિથી પ્રદુષણની માત્રા ઝડપથી વધી રહી છે. અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં હવા પ્રદુષણ વધવાને કારણે અંકલેશ્વર જીઆઇડીસીમાં એર કવોલીટી ઇન્ડેકસ 74ને પાર કરી ગયો છે.હવાની ગુણવત્તા ચકાસવા માટે એર કવોલીટી ઇન્ડેકસનો ઉપયોગ કરવામાં આવે છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં એર કવોલીટી ઇન્ડેકસ ઝડપથી વધી રહયો છે જે દરેક અંકલેશ્વરવાસી માટે લાલબત્તી સમાન છે.

પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સામે જીપીસીબીના અંકલેશ્વરના એક અધિકારી ધુતરાષ્ટ્રની માફક આંખે પાટા બાંધી વ્હાલા દવલાની નિતિ અખત્યાર કરી રહયાં છે. જવાબદાર ઉદ્યોગો સામે માત્ર કાર્યવાહીનું નાટક કરવામાં માહિર આ અધિકારી નાના ઉદ્યોગોને પોતાની સત્તાનો ઉપયોગ કરી દબાવી રહયાં છે. એક વેબસાઇટના આંકડા મુજબ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં એર કવોલીટી ઇન્ડેકસ વધીને 74 સુધી પહોંચી ગયો છે. ખાસ કરીને સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધીમાં આ આંકડો 100થી 151 સુધી પણ પહોંચી જતો હોય છે. વડોદરાના જાણીતા પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, 2009માં પ્રદુષિત હવાના મુદે અંકલેશ્વર દેશમાં પ્રથમ આવ્યું હતું. જીપીસીબીના અધિકારીઓ ઉદ્યોગોને કલોઝર નોટીસ આપી કાર્યવાહી તો કરે છે પણ થોડા સમય બાદ કલોઝર નોટીસ હટાવી લેતાં હોય છે.

ઉદ્યોગો સામે જીપીસીબીની મનસ્વી કાર્યવાહીનો મુદો હવે રાજયભરમાં ચર્ચાની એરણે ચઢયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનીશ દોશીએ પણ સરકાર અને જીપીસીબીની બેધારી નિતિના કારણે પ્રદુષણની માત્રા વધી રહી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

અમદાવાદના જ પર્યાવરણ તજજ્ઞ હિતેશ સોલંકીના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં હવા અને પાણીના પ્રદુષણની માત્રા ઝડપથી વધી રહી છે. અને કેમીકલ વેસ્ટના નિકાલ માટેની ડમ્પીંગ સાઇટની જગ્યાઓ હાલ નાની પડી રહી હોવાથી પણ પ્રદુષણને અંકુશમાં લઇ શકાતું નથી.

તો બીજી તરફ અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં વધી રહેલાં હવા પ્રદુષણ મુદે પર્યાવરણવિદ મહેશ પંડયાએ પણ ચિંતા વ્યકત કરી છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશના અમલીકરણના નામે જીપીસીબીએ ઉદ્યોગોને 25 લાખથી માંડી એક કરોડ રૂપિયા સુધીના દંડ ફટકારવાની શરૂઆત કરી હોવાથી ઉદ્યોગોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. જીપીસીબી પોતાની નિષ્ફળતા છુપાવવા માટે દોષનો ટોપલો તેમના માથે નાખી રહયું હોવાની લાગણી ઉદ્યોગકારો વ્યકત કરી રહયાં છે.

Latest Stories