અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોની નજર હવે અન્ય રાજ્યો તરફ

New Update
અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોની નજર હવે અન્ય રાજ્યો તરફ

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ( જીપીસીબી) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશનું ખોટુ અર્થઘટન કરી અંકલેશ્વર અને પાનોલી સહિત રાજયના ઉદ્યોગોને માતબર દંડ ફટકારી રહી છે. રાજય અને કેન્દ્ર સરકાર પણ ઉદ્યોગોની મદદ નહિ કરી રહી હોવાથી અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો હવે રાજયની બહાર ઉચાળા ભરી રહયાં છે. રાજયમાં ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજી તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. દેશ તથા વિદેશોના નાના મોટા ઉદ્યોગોને રાજયમાં તેમના પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે પણ જીપીસીબીની બેધારી નિતિના કારણે હવે ઉદ્યોગો એકદમ કફોડી હાલતમાંથી પસાર થઇ રહયાં છે.

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગોની વાત કરવામાં આવે તો 2007થી ઉદ્યોગોને નવા પ્લાન્ટની સ્થાપના કે હાલના પ્લાન્ટના વિસ્તૃતિકરણ માટે પરવાનગી આપવામાં આવતી ન હતી. ક્રિટીકલ ઝોનમાંથી બહાર નીકળ્યાં બાદ ઉદ્યોગોએ નવા પ્લાન્ટ માટે કાર્યવાહી શરૂ કરી હતી. અંકલેશ્વર અને પાનોલીમાં નવા ઉદ્યોગો ધમધમે તે પહેલાં જ જીપીસીબી વિલનની ભૂમિકામાં આવી હોય તેમ લાગી રહયું છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પર્યાવરણની જાળવણી માટે જવાબદાર ઉદ્યોગો પાસેથી દંડની વસુલાત કરી તેનાથી પર્યાવરણની સુધારણા કરવા માટે આદેશ કર્યો છે પણ જીપીસીબી આ આદેશનું ખોટુ અર્થઘટન કરી ઉદ્યોગોને માતબર રકમનો દંડ ફટકારવામાં આવી રહયો છે.જેના કારણે નાના ઉદ્યોગોની કમર તુટી રહી છે. બંને જીઆઇડીસીના ઉદ્યોગો હવે જીપીસીબીના મનસ્વી વલણ સામે મેદાનમાં આવ્યાં છે. ગુરૂવારના રોજ અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ ખાતે ઉદ્યોગકારોની બેઠક મળી હતી જેમાં ઉદ્યોગકારોએ બંધ પાળી ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતું અંકલેશ્વર અને પાનોલી કેમિકલ અને ફાર્મા ક્ષેત્રમાં વિશ્વસ્તરીય નામના ધરાવે છે પણ જીપીસીબીની અણધડ નિતિના કારણે હવે બંને જીઆઇડીસીમાંથી ઉદ્યોગો અન્ય રાજયોમાં ઉચાળા ભરી રહયાં છે. કેટલાક મોટા ઉદ્યોગો તેલંગાણા, વિશાખાપટ્ટનમ, મહારાષ્ટ્ર અને યુપીની વાટ પકડી છે. તેલગાણામાં તો 10000 હેકટરનું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બની રહયું છે અને બંને જીઆઇડીસીના ઉદ્યોગોની નજર તેના પર છે. એઆઇએના પ્રમુખ મહેશ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સરકાર મદદ નહિ કરે અને જીપીસીબી હકારાત્મક અભિગમ નહિ અપનાવે તો ઉદ્યોગોનું બંધ થવું નિશ્ચિત છે.

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગો હજારો લોકોને રોજગારી પુરી પાડે છે. જીપીસીબીની મનસ્વી કાર્યવાહી બાદ હવે જાતે ઉદ્યોગકારોને ફાંસી ખાઇ આપઘાત કરવો પડે તેવા સંજોગો ઉભા થયાં છે. તેનું કારણ આપતા પાનોલી ઔદ્યોગિક મંડળના પ્રમુખ બી.એસ. પટેલે જણાવ્યું હતું કે, ઉદ્યોગોએ નવા પ્લાન્ટોમાં રોકાણ કરી દીધું છે અને હવે તેમને સીસી મળતું ન હોવાથી પ્લાન્ટ શરૂ થઇ શકતા નથી. ઉદ્યોગોએ બેંકોમાંથી લીધેલી લોન પણ ભરપાઇ ન થઇ શકે તેવા વિકટ સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ઉદ્યોગકારો પણ હવે ગળા ફાંસો ખાઇ આપઘાત કરે તો નવાઇ નહી.

જીપીસીબીની બેધારી નીતિ અને સરકારના મૌન સામે હવે ઉદ્યોગકારો અવાજ ઉઠાવવા માટે મેદાનમાં આવી ગયાં છે. તેઓએ હવે સરકારને પણ ચીમકી આપી દીધી છે ઉદ્યોગોની હેરાનગતિ બંધ કરો નહિતર માઠા પરિણામો ભોગવવા પડશે. ઉદ્યોગો માટે મદદકારી વલણ નહિ અપનાવવામાં આવે તો તેમણે વિદેશોમાં કે અન્ય રાજયોમાં જઇને ઉદ્યોગો સ્થાપવા સુધ્ધાની તૈયારીઓ કરી દીધી છે.

અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગકારો હવે સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહયાં છે અને આગામી દિવસોમાં મુખ્યમંત્રીને મળી તેમની વ્યથા રજૂ કરવાના છે. પણ એક વાત ચોકકસ છે કે સરકાર ઉદ્યોગોને મદદ નહિ કરે અને જીપીસીબી તેનું વલણ નહિ સુધાારે તો બંને જીઆઇડીસીના 3000થી વધારે ઉદ્યોગોને તાળા વાગી જશે અને હજારો કામદારો બેકારીના ખપ્પરમાં હોમાઇ જશે..

Latest Stories