અંકલેશ્વર : કોરોનાના કારણે “રાવણ”નું દહન નહી થાય, પણ ઉદ્યોગો કરશે અનોખા રાવણનું દહન

New Update
અંકલેશ્વર : કોરોનાના કારણે “રાવણ”નું દહન નહી થાય, પણ ઉદ્યોગો કરશે અનોખા રાવણનું દહન

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરમાં ઉદ્યોગકારોએ એક એવો સંકલ્પ લીધો છે કે જેનાથી લાખો લોકોને પ્રદુષણમાંથી મુકિત મળશે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે ભલે રાવણનું દહન કરવાની મંજુરી ન આપી હોય પણ ઉદ્યોગકારો “પ્રદુષણ” રૂપી “રાવણ” નું દહન કરવા સજજ બન્યાં છે.

અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીમાં 1,500 કરતાં વધારે ઉદ્યોગો ધમધમી રહયાં છે. ઉદ્યોગો હોવાના કારણે હવા, પાણી અને જમીનનું પ્રદુષણ હોવાની બાબત સામાન્ય છે. અંકલેશ્વરમાં પ્રદુષણની માત્રા વધારે હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહે છે. પણ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે માર્ચ મહિનાથી બે માસ સુધી લોકડાઉન રહયું હતું. લોકડાઉનના કારણે ઉદ્યોગો બંધ થતાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થયો હતો. અનલોક થયા બાદ ઉદ્યોગો હવે ધમધમતાં થયાં છે ત્યારે ફરી પ્રદુષણની માત્રા વધી હોવાની લોકો ફરિયાદ કરી રહયાં છે. 

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે પ્રદુષણની માત્રા ઘટી છે. હવાના પ્રદુષણની વાત કરવામાં આવે તો હાલ અંકલેશ્વરમાં એર પોલ્યુઝનનો ઇન્ડેકસ 100 કરતાં નીચે છે. હાલ વાતાવરણમાં પીએમ -10 અને પીએમ - 2.5નું પ્રમાણ વધારે જોવા મળે છે અને તેનું કારણ ચોમાસું છે. વાતાવરણમાં આ બંને તત્વોની હાજરી વાહનોના ધુમાડાના કારણે જોવા મળતી હોય છે. આગામી 10- 15 દિવસમાં વાતાવરણ સ્વચ્છ બની જશે ત્યારે તેની માત્રા પણ ઘટી જશે. ઉદ્યોગોની વાત કરવામાં આવે તો 2002થી પ્રદુષણને નિયંત્રણમાં લેવા પગલાં ભરવામાં આવી રહયાં છે. સ્કબર તથા ઇટીપી સહિતના પગલાંઓ અસરકાર નીવડયાં છે. આગામી દિવસોમાં ઇટીપીની ક્ષમતા વધારીશું તો પ્રદુષણ એકદમ નિયંત્રણમાં આવી જશે.

અંકલેશ્વરની અન્ય એક પાસા પર નજર નાંખીએ તો અંકલેશ્વરમાં નવરાત્રીની સાથે રાવણ દહનનો કાર્યક્રમ ધામધુમથી ઉજવાય છે. ઓએનજીસી મેદાન ખાતે રામલીલા બાદ દશેરાના દિવસે રાવણ, મેઘનાથ તથા કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવે છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે રાવણ દહનને મંજુરી આપવામાં આવી નથી પણ અંકલેશ્વરના ઉદ્યોગકારોએ અનોખી રીતે દશેરાની ઉજવણીનો નિર્ધાર કર્યો છે. આ વર્ષે ઉદ્યોગકારો તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનને પણ પ્રદુષણ નિયંત્રણમાં લેવાનો સંકલ્પ કર્યો છે.

Latest Stories