/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-279.jpg)
અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલી રામવાટીકા સોસાયટી નજીકના મેદાનમાં ગુંજ સોશિયલ ગૃપ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. નવરાત્રી મહોત્સવની પરંપરા મુજબ નવરાત્રીના પ્રથમ દિવસે જગત જનની મા જગદંબાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વરસાદી માહોલ વચ્ચે પણ નીકળેલી શોભાયાત્રાથી વાતાવરણ ભકિતસભર બની ગયું હતું.
જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો રવિવારના રોજ મેઘાવી માહોલ વચ્ચે પ્રારંભ થયો છે. નવરાત્રીના દિવસે માતાજીના મંદિરોમાં ભકતો દર્શન માટે ઉમટી પડયાં હતાં. આકાશમાંથી ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદમાં પણ ભકતોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના હાંસોટ રોડ પર આવેલી રામવાટીકા સોસાયટી નજીકના મેદાનમાં ગુંજ સોશિયલ ગૃપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી મહોત્સવના પ્રારંભે અંકલેશ્વરની જીનવાલા હાઇસ્કુલથી મા જગદંબાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના મહેમાનો અને અગ્રણીઓની હાજરીમાં શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયુ હતું. મેઘરાજાની દસ્તક વચ્ચે ભકિતસભર માહોલમાં શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.