• અંકલેશ્વર શહેરમાં તસ્કરોનો તરખાટ

  • પારસીવાડમાં તસ્કરો ત્રાટકયા

  • પારસી વ્યવસાય કારના બંગલામાં ચોરી

  • રૂ.19 લાખના માલમત્તાની ચોરી

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પૂર્વજોના સમયના કીમતી દાગીના સહિત ₹19 લાખના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર શહેરના ભરૂચીનાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસીવાડમાં રહેતા અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલ મઝુમ રૂસતમજી વીમા દલાલના પિતરાઈ ભાઈના દીકરાના લગ્ન પ્રસંગમાં   મહેર મેન્શન નામના તેમના મકાનને બંધ કરીને પુના ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ ડુપ્લીકેટ ચાવીથી મેન્શનના મુખ્ય દરવાજાનું તાળુ ખોલીને તસ્કરો અંદર પ્રવેશ્યાં હતાં. ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ તિજોરી તથા લોકરો ખોલી તેમાંથી સોનાચાંદીના દાગીના તથા રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયાં હતાં. તસ્કરો મકાનમાંથી રૂ. 16.80 લાખની કિંમતના સોનાના 14 તોલા દાગીના અને રૂ.3 લાખ રોકડ મળી કુલ રૂપિયા 19.80 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.બનાવની જાણ થતાં પીઆઈ. પી.જી ચાવડા તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતા એલ સી બી ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ઘરના દરવાજાને તોડયા વિના તસ્કરો અંદર પ્રવેશ્યાં હોવાથી ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની આશંકા છે. ચોરીમાં પૂર્વજો સમયના કીમતી દાગીનાઓ પણ તસ્કરો ઉઠાવી ગયાં છે.