ભરૂચના આર.કે.કાસ્તા શોપિંગ સેન્ટરમાં કોમ્પ્લેક્સની લીફટ અચાનક જ અટકી ગઈ હતી દરમ્યાન માતા સાથે બહાર નીકળી રહેલ 4 વર્ષીય બાળક ખાંચામાંથી નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી

ભરૂચના આર.કે.કાસ્તા શોપિંગ સેન્ટરમાં આવેલી ચાઈલ્ડ કેર હોસ્પિટલ બહારની લિફ્ટની દુર્ઘટના દરમિયાન 4 વર્ષીય બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હોવાની ઘટના સામે આવી છે.ભરૂચના જુના તવરા ગામના 4 વર્ષીય તીર્થરાજસિંહને ચાઇલ્ડકેર હોસ્પિટલમાં OPD સારવાર માટે લાવવામાં આવ્યો હતો. સારવાર બાદ બાળક પરિવાર સાથે ઘરે પરત જવા નીકળ્યું હતું. તે દરમિયાન કોમ્પ્લેક્સની લિફ્ટ બીજા માળે અટકી જતા પરિવાર અને અન્ય લોકો દ્વારા લિફ્ટનો દરવાજો ખોલીને બાળક તથા પરિવારને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.આ દરમિયાન બાળક લિફ્ટના ખાંચામાં સરકી નીચે પટકાયું હતું. ઊંચાઈ પરથી પટકાતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે બાળકને તાત્કાલિક ગંભીર હાલતમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.ઘટના બાદ લિફ્ટના સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ, પોલીસે ઘટનાની જાણ થતાં સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને લિફ્ટની કામગીરી તથા અકસ્માતની પરિસ્થિતિ અંગે તપાસ હાથ ધરી છે.