ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વધુ એક પત્ર લખીને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કમિટીની રચના અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખી કમિટીની રચનામાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને પક્ષના વરિષ્ઠ આગેવાનોને વિશ્વાસમાં ન લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

સાંસદ વસાવાએ જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં સ્થાપિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી આદિવાસી વિસ્તાર માટે મહત્વપૂર્ણ સંસ્થા છે અને વિકસિત ભારતના નિર્માણમાં તેની મહત્વની ભૂમિકા રહેશે. જોકે, તાજેતરમાં જાહેર કરાયેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ કમિટીમાં ધારાસભ્યો, સાંસદો તેમજ સ્થાનિક પક્ષના વરિષ્ઠ આગેવાનો સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.

તેમણે વધુમાં દાવો કર્યો છે કે ડેડિયાપાડા, સાગબારા, ચીકદા સહિતના વિસ્તારો તેમજ ભરૂચ જિલ્લામાંથી પણ કોઈ યોગ્ય પ્રતિનિધિને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. કમિટીમાં સામેલ કેટલાક સભ્યોનું શિક્ષણ ક્ષેત્ર સાથે કોઈ સીધું જોડાણ ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.પત્રમાં મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની પત્ની પ્રેમપ્યારી રાવને કમિટીમાં સભ્ય તરીકે સામેલ કરવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આ નિમણૂક પક્ષના નિયમો અને યોગ્યતા અંગે ચર્ચા ઊભી કરતી હોવાનું જણાવ્યું છે.સાંસદ વસાવાના જણાવ્યા મુજબ, આ કમિટીની જાહેરાત બાદ શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોમાં ટીકા થઈ રહી છે અને સ્થાનિક કાર્યકરો તેમજ જનપ્રતિનિધિઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે.