/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-61.jpg)
પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વ. અરૂણ જેટલીના અસ્થિનું આજે કરનાળીના સોમનાથ ઘાટ ખાતે ત્રિવેણી સંગમમાં વિસર્જન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે તેમના પુત્ર રોહન સહિત ભાજપના આગેવાનો હાજર રહયાં હતાં.
પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. અરૂણ જેટલીનો ગુજરાત સાથે દીર્ઘકાલિન અને નીકટતાનો નાતો રહ્યો હતો. કરનાળી, બગલીપુરા, પીપળીયા, વળીયા અને ચાંદોદને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ આદર્શ સાંસદ ગ્રામ બનાવવાની તેમનું સ્વપ્ન હતું અને તેના માટે તેઓ સદાય પ્રયત્નશીલ રહેતાં હતાં. સ્વ. અરૂણ જેટલીના અસ્થિને વિસર્જન માટે પાવન સલિલા મા નર્મદાના તટે વસેલા કરનાળી ખાતે લાવવામાં આવ્યાં હતાં. તેમના પુત્ર રોહન જેટલી તથા પરિવારના અન્ય સભ્યો અસ્થિ કળશ લઇને કરનાળી ખાતે આવી પહોંચ્યાં હતાં.ચાણોદના મલ્હારરાવ ઘાટ પર અસ્થિ કળશની પૂજા કરીને કરનાળીના સોમનાથ ઘાટ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. જયાં ત્રિવેણી સંગમ ખાતે અસ્થિઓનું વિસર્જન કરાયું હતું.