/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-86.jpg)
તમે સોસાયટીઓના અલગ અલગ નામ સાંભળ્યા હશે પણ અરવલ્લી જિલ્લામાં એક ગામ એવું છે. જયાં સોસાયટીઓના નામ વનસ્પતિઓ પરથી રખાયાં છે. જી હા વનસ્પિતિ ઉપરથી અને તે પણ ઔષધમાં વપરાતી વનસ્પતિઓ. આ ગામનું નામ છે ડોડીયા, દેશના પ્રથમ ઔષધ ગામ તરીકે ઓળખતા ડોડીયા ગામનો કનેકટ ગુજરાતનો વિશેષ અહેવાલ ….
ગામડાની વાત આવે ત્યારે તેના વિકાસ અને તેને ડિજિટલ કરવાની અથવા તો પ્રાથમિક સુવિધાઓનો વિચાર સૌપ્રથમ આવે,, પરંતુ અરવલ્લીના માલપુર તાલુકાનું ડોડિયા ગામ આ તમામ વિચારોથી તદ્દન જુદુ છે. ડોડિયા ગામ હવે ભારતનું ઔષધ ગામ તરીકે ઓળખાવવા લાગ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા વિવિધ ઔષધીઓ ઘેર ઘેર આપવામાં આવી છે, અને ફળિયાનું નામ જે-તે ઔષધીના નામ પરથી પાડવામાં આવ્યું છે. જેમ કે, તુલસી વન સોસાયટી, એલોવેરા સોસાયટી, અશ્વગંધા સોસાયટી, ગરમાળો સોસાયટી, બારમાસી સોસાયટી.. સોસાયટીઓના આ નામ ઓષધિય વનસ્પતિઓને માનસપટ પર જીવંત રાખવા માટે અપાયાં છે. આ વિચાર પાછળ ડોડીયા પંચાયતના સરપંચ નાનાભાઈ વાળંદનો સિંહ ફાળો છે.
‘ઔષધ ગામ’ ના મૂળ વિચારમાં એવું છે કે, સમગ્ર ડોડીયા ગામમાં કુલ 300 ઘર આવેલ છે, જેમાં વીસ જેટલી સોસાયટીઓ બનાવાઈ છે, અને તમામ સોસાયટીઓમાં ઔષધીઓના છોડ અપાયા છે. ભૂલાઈ ગયેલી ઔષધીઓ આજે ડોડિયા ગામે ફરી જીવંત બની છે, ઔષધીઓનો વધુ ઉપયોગ થાય અને ગામ નિરોગી રહે તે દિશામાં પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, આગામી સમયમાં પંચાયત સોસાયટીના જ સભ્યોની એક સમૂહ તૈયાર કરશે અને તેઓ ઔષધીનો કેવી રીતે ઉપયોગ કરી શકે તે માટે પણ માર્ગદર્શન આપશે. ડોડિયા ગામને ‘ઔષધ ગામ’ બનાવવા માટે વિવિધ ઔષધીના છોડ વિશે રીલાયન્સ ફાઉન્ડેશન તેમજ વન વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. ગ્રામજનો પણ આ વિચારને આવકારી રહ્યા છે. ગ્રામ પંચાયતમાં આધાર બેઝ્ડ પેમેન્ટ લેવા તેમજ લાઈટ બીલ ભરવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે... એટલું જ નહીં કોઇ પણ પ્રકારની બેઠક બોલાવવી હોય તો પંચાયતમાં બેઠા બેઠા જ એનાઉન્સ કરવામાં આવે છે, જેથી ગ્રામજનો નિયત સ્થળે આવી શકે.
પહેલા ગામડાઓનો વિકાસ રૂંધાયો હતો, જેથી યુવાઓ શહેર તરફ કૂચ કરી રહ્યા હતા, પણ હવે ગામડાઓનું વાતાવરણ બદલાતા યુવાઓ ફરી ગામડા તરફ ડગલું માડી રહ્યા છે. ગામના લોકોને હવે પોતાના વતનમાં આવવું ખૂબ જ ગમી રહ્યું છે.