/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-4.jpg)
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતીને મોટા પાયે નુકશાન થયું છે ત્યારે મોડાસા તાલુકામાં મગફળીનો પાક નિષ્ફળ જતાં એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં ક્યાંક મેઘ મહેર તો ક્યાંક મેઘ કહેર જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ખેડૂતોને સારા વરસાદની આશા હતી, જેથી તેઓનો પાક બચી જાય પણ કુદરના કહેર સામે કોઇનું ચાલતું ન હોય તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદને કારણે મોડાસા તાલુકાના ખેડૂતે પાકમાં નુકસાન થવાને કારણે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનોના જણાવ્યુ અનુસાર મૃતક ખેડૂતે તેમના ત્રણ વિંઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું, જેનો અંદાજે ચાલીસથી પચાસ હજારનો ખર્ચો પણ કર્યો હતો, જો કે એક સપ્તાહથી ભારે વરસાદને કારણે ખેડૂતના પાક પર વરસાદી પાણી ફરતા નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, જેની ચિંતામાં ઉમેદપુરના ખેડૂતે જીવન ટૂંકાવી દીધું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેથી મગફળી અને મકાઈના પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેથી તંત્ર દ્વારા ખેડૂતોના નાશ થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવાની પણ ખેડૂતોએ માંગ કરી છે.