અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્ર એક્શનમાં
ફટાકડાના સ્ટોલ અંગે લેવાયો નિર્ણય
ગમે તે જગ્યાએ સ્ટોલ ઉભા નહીં કરી શકાય
તંત્ર દ્વારા જગ્યા નિયત કરાય
ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ નજીક જગ્યા ફાળવાય
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં જાહેર માર્ગો પર તેમજ શોપિંગ સેન્ટરની બહારના ભાગે ફટાકડાના સ્ટોલ ઉભા કરી શકાશે નહીં. ફટાકડાના સ્ટોલ માટે તંત્ર દ્વારા ESIC હોસ્પિટલ નજીક ખુલ્લા મેદાનમાં જગ્યા ફાળવવામાં આવી છે
આગામી દિવસોમાં નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફટાકડા તથા ફૂડ સ્ટોલ માટે ઉદ્યોગ મંડળ અને નોટીફાઇડ એરિયા ઓથોરિટી
દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન રહેણાંક વિસ્તારમાં જાહેર માર્ગો પર તેમજ શોપિંગ સેન્ટરની બહારના ભાગે સ્ટોલ ઉભા ન કરવા સૂચના આપવામાં આવી છે.તંત્ર દ્વારા ફટાકડા અને ફૂડ સ્ટોલ માટે ઈ.એસ.આઈ.સી. હોસ્પિટલ સામે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડને નિયત સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
જીઆઈડીસી વિસ્તારમાં અન્ય કોઈપણ સ્થળે ફટાકડાના સ્ટોલ ઉભા કરી શકાશે નહીં.ફટાકડાના સ્ટોલને કારણે આગજની સહિતના સંભવિત જોખમો ટાળવા, સ્વચ્છતા જાળવવા અને તહેવારો દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
નિયત સ્થળે સ્ટોલ ફાળવણી માટે નોમિનલ ફી લેવામાં આવશે. ફટાકડાની સાથે ફૂડ સ્ટોલ માટે પણ ખુલ્લા ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટોલ ફાળવણી, ફી તથા અન્ય જરૂરી માહિતી માટે ઇચ્છુકોએ નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
