ભરૂચ તાલુકાના કરજણ ગામ પાસે આવેલી ગૌશાળામાં ગાયનો શિકાર કરનારો દીપડો વન વિભાગે મુકેલાં પાંજરામાં આબાદ સપડાય ગયો છે. દિપડો પાંજરે પુરાય ગયાં બાદ સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.
ભરૂચ તાલુકાના આવેલા કરજણ ગામ નજીક રમેશભાઇના તબેલા નજીક થોડા દિવસ અગાઉ દીપડાએ એક વાછરડાને શિકાર બનાવતા તબેલાના માલિક અને ગામલોકોએ વન વિભાગને જાણ કરી હતી. ગૌશાળા પાસેથી દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યાં હતાં. દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગે પાંજરૂ મુકયું હતું. જેમાં દીપડો પુરાય જતાં પશુપાલકો તેમજ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી શુકલતીર્થ તથા આસપાસના ગામોમાં દીપડાઓની હાજરી જોવા મળી રહી છે. ઝઘડીયા તાલુકાના જંગલ વિસ્તારમાંથી દીપડાઓ નદી પાર કરી શિકારની શોધમાં આ વિસ્તારમાં આવી ગયાં હોવાનું ગામલોકો જણાવી રહયાં છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર કરજણ તથા આસપાસના વિસ્તારમાં દીપડી અને તેના બચ્ચાઓની હાજરી હોય શકે છે અને તેમને પણ ઝડપી પાડવા માટે કવાયત ચાલી રહી છે.