ભરૂચ શહેર નગરપાલિકાના વોર્ડ નંબર 3ની મહિલા નગરસેવિકાના પતિ કર્તવ્ય રાણાએ અંગત અદાવતમાં 2 મિત્રો ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં બન્ને મિત્રોને ઈજા પહોંચી હતી, ત્યારે આ ઘટનામાં 13 દિવસની સારવાર બાદ પ્રિન્સ મહંત નામના એક યુવકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે નગરપાલિકામાં ભાજપની મહિલા નગરસેવિકાના પતિ કર્તવ્ય રાણા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.

તે દરમ્યાન શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્ય રાણાને મળવા ગયો હતો, જ્યાં કર્તવ્ય રાણાએ ઉશ્કેરાય જઈ બન્ને મિત્રોને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. જોકે, ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે એ’ ડિવિઝન પોલીસ મથકનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.

પોલીસે આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPCની 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. જોકે, હવે 13 દિવસની સારવાર બાદ વડોદરા ખાતે પ્રિન્સ મહંતે રવિવારે સવારે દમ તોડ્યો હતો. આંતરડું કપાઈ જવાથી પ્રિન્સનું 2 વખત ઓપરેશન કરવા છતાં લોહીનું વહેંણ બંધ થતું ન હતું. જેના લીધે શરીરમાં ઇન્ફેક્શન થઈ જવાથી આખરે તેણે જીવ ગુમાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે કોર્પોરેટના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.