ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત કલેક્ટર કચેરી સહિત આમોદ, હાંસોટ અને ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે આદર્શ જનસેવા કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આધુનિક કેન્દ્રોનું લોકાર્પણ આગામી પ્રસ્તાવિત તારીખ ૧૪મી માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થનારું છે.
વર્તમાન સમયમાં ટેકનોલોજીના આધુનિકીકરણને પ્રાધાન્ય આપી, નાગરિકોની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય અને લોકોને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં મહેસૂલ વિભાગ હસ્તકના જનસેવા કેન્દ્રોને ‘હાઈ-ટેક’ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ તમામ ૯ તાલુકાના જનસેવા કેન્દ્રો માટે કુલ રૂ. ૧૮૧ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
આ આધુનિકીકરણના પરિણામે હવે સામાન્ય જનતાને એક જ સ્થળેથી ડિજિટલ માધ્યમ દ્વારા તમામ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ અત્યંત સરળતાથી પ્રાપ્ત થશે. વહીવટી તંત્રનો આ નવતર અભિગમ ભરૂચ જિલ્લામાં સુશાસન અને ડિજિટલ ગવર્નન્સના નવા આયામો પ્રસ્થાપિત કરશે, જેનાથી નાગરિકોની સુવિધામાં અભૂતપૂર્વ વધારો થશે.
પ્રથમ તબક્કામાં ભરૂચ (ગ્રામ્ય), વાગરા અને જંબુસર ખાતે અદ્યતન કેન્દ્રોનું લોકાર્પણ જનપ્રતિનિધિઓની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા તબક્કામાં કલેક્ટર કચેરી ભરૂચ, ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકો ખાતે સંભવિત આગામી તા. ૧૪મી માર્ચ ૨૦૨૬ના રોજ આદર્શ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણ થશે.આવી જ તમામ આધુનિક સુવિધાઓથી કલેક્ટર કચેરી ભરૂચ, ઝઘડિયા, હાંસોટ અને આમોદ તાલુકા મથકોના આદર્શ જનસેવા કેન્દ્રો પણ કાર્યરત થનારા છે.
