/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/Untitled-1-copy-15.jpg)
CM રૂપાણીએ વાગરાના તાલુકાનાં સાયખા ખાતે કંપનીના નિર્માણ કાર્યનું કર્યું ભૂમિપૂજન
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી જીઆઈડીસી હાલ સતત વિસ્તરી રહી છે. ત્યારે સાયખા ગામે ઈમામી પેપર મીલ કંપનીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તેનું ભૂમિપૂજન આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. આ તબક્કે CM વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે, 1000 કરોડના રોકાણથી 3000 લોકોને રોજગારી મળશે. ભારતની એવી કોઈ કંપની ન હોય જેનું એકમ ગુજરાતમાં ચાલતું ન હોય. સાથે સાથે તેઓએ 80% થી વધુ રોજગારી સ્થાનિક તથા ગુજરાતીઓને આપવામાં આવે તેવી સરકારની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં સૌથી વધુ ઉદ્યોગો થાય અને સ્થાનિક યુવાનોને વધુને વધુ રોજગારીની તકો પ્રાપ્ત થાય તે હેતુથી વડાપ્રધાનના મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ડેવલોપમેન્ટ ઇન્ડિયા બનાવવાના સ્વપ્નને સાકાર કરવા અત્યાધૂનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે દર વર્ષે ૧.૭૫ લાખ યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ અપાઇ રહી છે. રાજયમાં તમામ તાલુકાઓમાં અત્યાધુનિક ટેકનોલોજીસભર આઇ.ટી.આઇ. શરૂ કરી નવયુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ ધ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત ર્ક્યો હતો.
ઉદ્યોગગૃહોને મદદરૂપ થવા સરકાર તત્પર હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ ગુજરાતમાં વધુને વધુ ઉદ્યોગો વિકસે અને સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થાય તે માટે ગુજરાતમાં રોકાણ કરવા આહવાન ર્ક્યું હતું. મુખ્યમંત્રીએ કરોડોના ખર્ચે ભરૂચ જિલ્લામાં નિર્માણ થયેલ ઇમામી કંપની ખાસ કરીને પર્યાવરણ રક્ષણની યોગ્ય જાળવણી સાથે સેવાના પ્રકલ્પો કરી છેવાડાના માનવીનો વિકાસ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી.
સાયખા ખાતે રૂા.૯૯૦ કરોડના ખર્ચે ૧૦૩ એકર જેટલી વિશાળ જમીનમાં સાકાર થનાર આ પ્લાન્ટથી મુખ્યમંત્રીની એપ્રિન્ટીસશીપ યોજના હેઠળ ૭૫૦ શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્થાનિક કક્ષાએથી તેમજ ૨૦૦૦ જેટલાં અન્ય યુવાનોને પ્રત્યેક્ષ - પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થશે જેના થકી જિલ્લામાં ૩૦૦૦ જેટલા શિક્ષિત બેરોજગાર યુવાનોને સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટથી ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિકક્ષેત્રે ૮૦ ટકા સ્થાનિક રોજગારી પુરી પાડવાનો લક્ષ્યાંક સિધ્ધ થશે. આ બાબતને અગ્રતા આપી રાજ્ય સરકાર ધ્વારા આ પ્લાન્ટ માટે જરૂરી ૧૦૩ એકર જમીનની ફાળવણી માત્ર ૨૨ દિવસમાં કરી મંજૂરી આપવામાં આવી છે. ઇમામી પેપર મીલ કંપનીનો આ પ્રોજેક્ટ માત્ર ૮ માસમાં સમગ્ર ગુજરાતમાં સૌથી ઝડપીમંજૂર થયેલ પ્રોજેક્ટ છે. કંપની ત્રણ મહિનામાં પર્યાવરણની પણ મંજૂરી મળી ગઇ છે ત્યારે મુખ્યમંત્રીએ દ્રઢ વિશ્વાસ સાથે જણાવ્યું કે, રાજ્ય સરકાર ધ્વારા આ પ્રોજેક્ટને વાયબ્રન્ટ ગુજરાતની સિધ્ધિ તરીકે જોવામાં આવે છે.
આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ ઇશ્વર ગોહિલ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, ઇમામી ગૃપના જોઇન્ટ ચેરમેન આર.એસ.ગોયેન્કા, ઇમામી પેપર મિલ્સ લી. ના બોર્ડ ઓફ ડીરેક્ટર તથા અન્ય સભ્યો, કર્મચારીઓ, જિલ્લાના આગેવાન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.