ભરૂચના ઝઘડિયા તાલુકામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને એક વિવાદાસ્પદ બનાવ સામે આવ્યો છે.
કોંગ્રેસ સાથે સંકળાયેલા કાર્યકર મિતેષ પઢિયારને પોલીસે ચૂંટણી ફંડના નામે ઉદ્યોગકારોને ધમકાવી પૈસા માંગવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપીએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી સિલિકા પ્લાન્ટ, જીઆઇડીસીના ઉદ્યોગો તેમજ કોન્ટ્રાક્ટરો પાસેથી ચૂંટણી ફંડ માંગ્યું હતું. વીડિયોમાં તેણે પૈસા ન આપતા પરિણામ ભોગવવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. આ વીડિયો વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો અને પોલીસ હરકતમાં આવી.પોલીસે તપાસ હાથ ધરી મિતેષ પઢિયારને કસ્ટડીમાં લીધો હતો. ધરપકડ બાદ પોલીસે જાહેરમાં તેનો વરઘોડો પણ કાઢ્યો હતો, જેને કારણે વિસ્તારમાં ચર્ચા જગાઈ છે.ઉલ્લેખનીય છે કે મિતેષ પઢિયારે તાજેતરમાં ઝઘડિયાની સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટની માંગણી કરી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
