ભરૂચ : ટ્રાફિકજામ રોકવા સ્વામિનારાયણ મંદિર સામેના કટને ખોલવા આદેશ

New Update
ભરૂચ : ટ્રાફિકજામ રોકવા સ્વામિનારાયણ મંદિર સામેના કટને ખોલવા આદેશ

ભરૂચનો જુનો સરદારબ્રિજ રીપેરીંગ માટે બંધ હોવાથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ રહયો છે ત્યારે દહેજ તરફથી આવતાં અને જતાં વાહનોને ઝાડેશ્વર ચોકડી સુધી આવતાં રોકવા માટે સ્વામીનારાયણ મંદિર સામેના કટને ખોલવાનો નિર્ણય લેવાયો છે.

નર્મદા નદી પર આવેલાં જુના સરદારબ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતાં નવા સરદારબ્રિજ પર વાહનોની સંખ્યા વધી છે. 24 કલાકમાં બ્રિજ પરથી 35 હજાર કરતાં વધારે વાહનો પસાર થઇ રહયાં છે પરંતુ બ્રિજ પરનો રસ્તો બિસ્માર હોવાથી વાહનો બ્રેકડાઉનના બનાવો વધી જતાં વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામ થઇ રહયો છે. ટ્રાફિકની સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય તેનું મંથન કરવા કલકેટર ડૉ. એમ.ડી.મોડીયાના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ તથા પદાધિકારીઓની બેઠક મળી હતી. જેમાં દહેજથી આવતાં અને જતાં વાહનો ઝાડેશ્વર ચોકડી સુધી આવતાં હોવાથી ટ્રાફિકજામ થતો હોવાની રજૂઆત કરાઇ હતી. જેના સંદર્ભમાં ભરૂચના સ્વામીનારાયણ મંદીર સામેથી પસાર થતાં હાઇવે પર બંને તરફના કટ ખોલવામાં આવશે જેના કારણે દહેજ તરફનો વાહનવ્યવહાર ઝાડેશ્વર ચોકડી તરફ ન જાય.

બેઠકમાં હાજર રહેલાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નર્મદા ચોકડી અને કેબલ સ્ટેઇડ બ્રિજની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે જેના કારણે દહેજ તરફથી આવતાં અને જતા વાહનો ઝાડેશ્વર ચોકડીના બદલે સીધા ફલાયઓવર પરથી પસાર થઇ જાય. વધુમાં શહેરમાં ટ્રાફિકજામ થતો રોકવા તમામ પોઇન્ટ પર રાઉન્ડ ધ કલોક પોલીસ હાજર રહેશે.

ભરૂચના ગોલ્ડનબ્રિજને સમાંતર નવા નર્મદા મૈયા બ્રિજની કામગીરી હજી સુધી પુરી થઇ શકી ન હોવાથી ગોલ્ડનબ્રિજ પર ટ્રાફિકજામ થઇ રહયો છે. ત્યારે આ બાબતે ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, હા બ્રિજની કામગીરી ધીમી ચાલી રહી છે તે ચોકકસ છે પણ બ્રિજને લંબાઇ વધારવામાં આવી રહી હોવાથી વિલંબ થઇ રહયો છે. બ્રિજની કામગીરી ઝડપથી પુર્ણ થાય તે માટે સરકારમાં રજૂઆત કરાશે.

Latest Stories