ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકીય પાર્ટીના આગેવાનો તથા સામાજીક સંસ્થાઓના આગેવાનોએ રેલવે સ્ટેશનની બહાર આવેલી ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી.
14 એપ્રિલ એટલે ડો.ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ. ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે છુત- અછુત સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમના પિતાનું નામ રામજીભાઇ માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઇ હતું. માત્ર છ વર્ષની ઉંમરે ભીમરાવે તેમના માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બાળપણથી જ તેઓ હોશિયાર હતા. તેમની સાચી અટક સકપાલ હતી પણ તેમના શાળાના એક શિક્ષકે તેમની અટક બદલીને આંબેડકર કરી નાખી હતી.1946માં જ્યારે વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવીને ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ડો.
ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા હતા ત્યારે પહેલી વાર તેમણે તત્કાલીન ભારતના દલિત સમાજના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. 1947માં ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યાં હતાં. આજે બુધવારે તેમની જન્મજયંતિના અવસરે ભરૂચમાં પુષ્પાંજલિના કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, મંત્રી નિશાંત મોદી, જીજ્ઞેશ મિસ્ત્રી, નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, રાજેન્દ્ર સુતરિયા સહિત પાલિકાના સભ્યોએ ડૉ.બાબાસાહેબને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. ભાજપ ઉપરાંત અન્ય રાજકીય પાર્ટીઓ અને સામાજીક સંસ્થાઓ તરફથી પણ પુષ્પાંજલિ કરવામાં આવી હતી.