ભરૂચ : ૭ ફૂટથી નીચેની શ્રીજી પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં કરાશે વિસર્જન

New Update
ભરૂચ : ૭ ફૂટથી નીચેની શ્રીજી પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં કરાશે વિસર્જન

ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારમાં સ્થાપિત કરાયેલી ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન સંદર્ભમાં આયોજકો અને અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં સાત ફૂટથી ઓછી ઉંચાઇવાળી પ્રતિમાઓનું ઝાડેશ્વર સાંઇ મંદિર અને કસક ગુરૂદ્વારા પાછળ બનેલા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાશે. જયારે ૭ ફૂટથી ઉંચી પ્રતિમાઓનું દશાન અને ભાડભુત ખાતે વિસર્જન થશે.

નદીઓ તથા જળાશયોમાં પ્રતિમાઓના વિસર્જન પર રોક લાગી ગયા બાદ ગત વર્ષથી ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરના ઓવારા ખાતે ચાલી આવતી વિસર્જનની પરંપરા બંધ થઇ છે. હવે ઝાડેશ્વર સાંઇ મંદિર અને કસક ગુરૂદ્વારા પાછળ બનેલા કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે પણ બંને સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવશે જેમાં ૭ ફૂટ સુધીની ઉંચાઇ ધરાવતી પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે. જ્યારે તેનાથી વધારે ઉંચાઇવાળી પ્રતિમાઓને વિસર્જન માટે દશાન અથવા ભાડભુત લઇ જવાની રહેશે.

ગત વર્ષે ભરૂચ જિલ્લામાં ૩૪૦૦થી વધુ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી હતી. આગામી ગુરૂવારના રોજ ગણેશ વિસર્જનના આયોજન સંદર્ભમાં ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાના અધ્યક્ષ સ્થાને ગણેશ આયોજકોની બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલા, એસ.પી. રાજેન્દ્રસીંહ ચુડાસમા સહીતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહયાં હતાં. ગણેશ વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગણેશ આયોજકોને પણ કેટલીક સુચનાઓ વહીવટી અને પોલીસ તંત્ર તરફથી આપવામાં આવી હતી.

Latest Stories