Connect Gujarat
Featured

ભરૂચ : સાથે જીવી તો જાણ્યું પણ સાથે મરવાનું પણ થયું નસીબ, જુઓ પતિ -પત્નીના પ્રેમની કરૂણ કહાણી

ભરૂચ : સાથે જીવી તો જાણ્યું પણ સાથે મરવાનું પણ થયું નસીબ, જુઓ પતિ -પત્નીના પ્રેમની કરૂણ કહાણી
X

ભરૂચનું કોવીડ સ્મશાનગૃહમાં સ્વજનોના અંતિમ સંસ્કાર માટે આવેલાં ડાઘુઓ પણ રડી પડયાં જયારે પતિ અને પત્નીને આજુબાજુની ચિતામાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો...

અગ્નિની સાક્ષીએ લગ્નમંડપમાં સપ્તપદીના ફેરા વખતે યુગલો સાથે જીવવા અને મરવાની કસમ ખાતાં હોય છે. પતિ અને પત્ની સાથે જીવન તો જીવી જાણે છે પણ સાથે મરવાનું અમુક નસીબદાર યુગલોના નસીબમાં જ લખાયેલું હોય છે. આવો જ કિસ્સો રવિવારના રોજ ભરૂચના કોવીડ સ્મશાનગૃહ ખાતે જોવા મળ્યો હતો. પતિ અને પત્ની કોરોનાથી સંક્રમિત થયા બાદ બંનેએ એક જ દિવસે દમ તોડી દેતાં તેમના આજુબાજુની ચિતામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. ભરૂચના ગોલ્ડનબ્રિજની નીચે બનાવેલાં કોવીડ સ્મશાન ગૃહ ખાતે છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી ચિતાઓ સતત સળગી રહી છે. એક પછી એક લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી રહયાં છે. ભરૂચમાં રહેતાં એક પરિવારના 92 વર્ષીય મોભીને 9મી એપ્રિલના રોજ જયારે તેમના 85 વર્ષીય પત્નીને 15મીના રોજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પતિ અને પત્ની કોરોનાથી સંક્રમિત થઇ ચુકયાં હતાં. પત્નીનો રીપોર્ટ આવે તે પહેલા રવિવારના રોજ બંનેના પ્રાણ પંખેરા ઉડી ગયાં હતાં. તેમના સંતાનો માતા અને પિતાના નશ્વર દેહ સાથે કોવીડ સ્મશાનગૃહ ખાતે પહોંચ્યાં હતાં. જયાં બંનેની આજુબાજુમાં ચિતા તૈયાર કરાવી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ કરૂણ દ્રશ્ય જોઇ સ્મશાનમાં આવેલાં અન્ય ડાઘુઓની આંખોમાંથી પણ અશ્રુધારા વહી હતી. કોવીડ દીવસે દીવસે ઘાતક બની રહયો છે ત્યારે હવે આપણે ઘરોમાં રહી પોતાની જાતને સલામત રાખીએ તે જરૂરી છે...

Next Story