ભરૂચ જિલ્લામાં પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલાં પ્રવાસન ધામ કબીરવડ ખાતે વિકાસકાર્યોને આગામી દિવસોમાં વેગ મળશે. પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ મમતા વર્માએ કબીરવડની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.
ભરૂચ જિલ્લામાં કબીરવડ પ્રવાસનધામની કામગીરીની સમીક્ષા કરવા ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના તથા પ્રવાસન, દેવસ્થાન મેનેજમેન્ટ અને યાત્રાધામ વિભાગની કામગીરી સંભાળતા સચિવ મમતા વર્મા તેમજ ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડના વહીવટી સંચાલક જેનુ દેવને સ્થળની મુલાકાત લીધી હતી. બંને ઉચ્ચ અધિકારીઓએ ત્યાર બાદ જીએનએફસી રેસ્ટહાઉસ ખાતે કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન સહિતના સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કબીરવડ, અંગારેશ્વર, મંગલેશ્વર અને શુકલતીર્થના વિકાસ માટે વર્ષોથી યોજના અમલમાં મુકવામાં આવી છે પણ તેની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. રાજય સરકારે હવે ભાડભુતમાં બેરેજ માટે ટેન્ડર મંજુર કરી દીધું છે ત્યારે આગામી દિવસોમાં કબીરવડના વિકાસની કામગીરી પણ વેગ પકડે તેવા સંજોગો ઉજળા બન્યાં છે.