/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/13135145/81248064-c365-44b5-a801-947fcf647e5b-e1597307160898.jpg)
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મેઘમહેર યથાવત રહેતા છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, વરસાદી માહોલ વચ્ચે ચારે બાજુ ઠંડક પ્રસરી, તો ઠેર ઠેર વૃક્ષ ધરાસાઈની ઘટના પણ સામે આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે મેઘરાજાનું ધીમી ગતિએ આગમન થયું હતું. ખેડૂતો હોંશેહોંશે ખેતીકામમાં જોતરાયા બાદ મેધરાજા હાથતાળી આપતા ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા. લાંબા સમયના વિરામ બાદ નેત્રંગ તાલુકામાં ફરીવાર મેઘરાજાનું વાજતેગાજતે આગમન થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.
નેત્રંગ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે મોસમનો કુલ ૩૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મેઘરાજાના આગમનની સાથે તેજગતિના વાવાઝોડાથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ઘરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. નદી-નાળા તળાવમાં પણ વરસાદના પાણીના નવા નીર આવતા નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરતાની સાથે ખેતીલાયક વરસાદથી ખેડૂતો આલમમાં આનંદ પ્રસરી જવા પામ્યો છે. જ્યારે બલદવા, પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ત્રણેય ડેમની પાણીની સપાટીમાં વધારો થવાના અહેવાલ મળ્યા છે.