ભરૂચવાસીઓએ પાણીકાપ માટે તૈયાર રહેવું પડશે. શહેરના નાગરિકો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી મુજબ, આગામી ૨૪ મે થી ૧૫ જૂન સુધી શહેરીજનોએ પાણીકાપનો સામનો કરવો પડશે.સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અમલેશ્વર બ્રાંચ કેનાલમાં જરૂરી રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે.
નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન માતરિયા તળાવના સંચિત પાણી તેમજ ટ્યુબવેલના પાણી મારફતે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં સમયબદ્ધ પાણી વિતરણ કરવામાં આવશે. ૧૫ જૂન બાદ કેનાલમાં પાણી છોડાતા જ પુરવઠો પૂર્વવત થઈ જશે.મે-જૂનની આકરી ગરમી વચ્ચે પાણીની અછત રોજિંદા જીવન પર સીધી અસર કરશે. રાંધવા, કપડાં ધોવા, વાસણ સાફ કરવા અને ઘરગથ્થુ સફાઈ જેવા જરૂરી કાર્યોમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ગરમીના દિવસોમાં સામાન્ય રીતે પાણીની જરૂરિયાત વધુ રહેતી હોવાથી આ સમયગાળો નાગરિકો માટે વધુ પડકારજનક બની શકે છે.
ભરૂચ શહેરમાં પાણી પુરવઠા સંબંધિત કામગીરીને કારણે જાહેર થયેલા શટડાઉન મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર સમશાદઅલી સૈયદ દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવાયું છે કે તા.28/05/2026 ના રોજ ઈદ-ઉલ-અઝહાનો પવિત્ર તહેવાર હોવાથી મુસ્લિમ સમાજમાં પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે. ખાસ કરીને પાણીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં તહેવારના દિવસે વધુ રહે છે. આવી સ્થિતિમાં દિવસમાં માત્ર એક વખત પાણી પુરવઠો આપવામાં આવે તો શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.તેથી જનહિત તથા ઈદના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી ઉપરોક્ત કામગીરી ઈદ બાદ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
