/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/17162455/maxresdefault-219.jpg)
ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ કોણ અમિત ચાવડા કે ધનજી ગોહિલ, છેલ્લા એક મહિના ઉપરાંતથી ચાલતી અટકળોનો બુધવારના રોજ અંત આવ્યો છે. વોર્ડ નંબર 5માંથી પ્રથમ વખત ચુંટણી જીતી નગરસેવક બનેલા અમિત ચાવડાને નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. નગરપાલિકાની નવી બોડીની રચનામાં ધારાસભ્ય દુષ્યંત પટેલનો દબદબો યથાવત રહયો છે.
ભરૂચ નગરપાલિકાની નવી ટર્મ માટે પ્રમુખપદની બેઠક અનુસુચિત જાતિ માટે અનામત હોવાથી વોર્ડ નંબર 8માંથી જીતેલા ધનજી ગોહિલ અને વોર્ડ નંબર 5માંથી જીતેલા અમિત ચાવડા વચ્ચે કાંટાની ટકકર હતી. છેલ્લા એક મહિના ઉપરાંતથી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ ચૌરેને ચોટે ચાલી રહી હતી. નગરપાલિકાના નવા પ્રમુખ- ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દેદારોની વરણી કરવા માટે બુધવારે સવારે 11 વાગ્યાનો સમય નકકી કરાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તથા અન્ય આગેવાનો પાર્ટીનો મેન્ડેટ લઇને આવી પહોંચ્યાં હતાં.
નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડા, ઉપ પ્રમુખ તરીકે નીનાબા યાદવ, કારોબારી સમિતિના ચેરમેન તરીકે નરેશ સુથારવાળા, શાસકપક્ષના નેતા તરીકે રાજશેખર દેશન્નવર અને દંડક તરીકે ભાવિન પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઉપ પ્રમુખ પદ માટે નીનાબા યાદવની સામે કોંગ્રેસના હેમેન્દ્ર કોઠીવાલાએ ઉમેદવારી નોંધાવતાં મતદાન કરાવવામાં આવ્યું હતું જેમાં નીનાબા યાદવને 32 અને હેમેન્દ્ર કોઠીવાલાને 11 મત મળ્યાં હતાં. નગરપાલિકામાં પ્રથમ વખત ચુંટાયેલા એઆઇએમઆઇએમના ઉમેદવારે મતદાન કર્યું ન હતું જયારે વોર્ડ નંબર 9માંથી અપક્ષ ચુંટાયેલા સતીષ મિસ્ત્રીએ ભાજપને ટેકો આપ્યો હતો.
ભરૂચ નગરપાલિકાની નવા વરાયેલા હોદ્દેદારો પર નજર કરવામાં આવે તો અમિત ચાવડા અને ભાવિન પટેલની લોટરી લાગી છે. બંને પ્રથમ વખત જ ચુંટણી લડયાં છે. જયારે અનુભવી એવા નરેશ સુથારવાળાને કારોબારી સમિતિના અધ્યક્ષ, રાજશેખર દેશન્નવરને શાસકપક્ષના નેતા અને નીના યાદવને ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. નગરપાલિકામાં વોર્ડ નંબર 3,4 અને 5નો દબદબો રહયો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની પસંદગી એક વોર્ડ એટલે કે વોર્ડ નંબર 5 માંથી કરવામાં આવી છે. વોર્ડ નંબર 3માંથી ભાવિન પટેલ અને નરેશ સુથારવાળા જયારે વોર્ડ નંબર 4માંથી રાજશેખર દેશન્નવરને પદભાર સોંપવામાં આવ્યો છે.
ભરૂચ નગરપાલિકામાં ઉમેદવારોની પસંદગી બાદ હોદે્દારોની વરણીમાં પણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલનો દબદબો યથાવત રહયો છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણીઓને ધ્યાને રાખી ભાજપના મોવડીમંડળે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હોદેદારોની વરણી કરી છે. ભાજપના નવા વરાયેલા અધ્યક્ષ સી.આર.પાટીલ વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક ધરાવે છે અને તેના માટે તેમણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી સોગઠા ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભરૂચ નગરપાલિકામાં આગામી અઢી વર્ષ માટે નવા પદાધિકારીઓની વરણી થઇ ચુકી છે ત્યારે તેમની સામે શહેરમાં અધુરી રહી ગયેલી ભુર્ગભ ગટર યોજના, દર ચોમાસામાં બિસ્માર બની જતાં રસ્તાઓ, રખડતાં ઢોરો, મુખ્યમાર્ગો પર લારીગલ્લાવાળાઓના દબાણો સહિતના અનેક પડકારો રહેલાં છે. નગરપાલિકાની નવી ટીમનો મુકાબલો સામાન્યસભાઓમાં કોંગ્રેસની અનુભવી ટીમ સાથે થશે. ભાજપમાં આંગળીના વેઢે ગણી શકાય તેવા નગરસેવકો છે જે સભામાં મકકમતાથી પોતાનો અવાજ રજુ કરવાની સાથે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપી શકે તેવા છે. આમ નવી અને અનુભવી ટીમ વચ્ચેનો મુકાબલો સાચા અર્થમાં નગરપાલિકામાં રસપ્રદ બની રહેશે.