/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-166.jpg)
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના પાણીથી સિંચાઇ કરી ખેડૂતો ખેતી કરે છે પણ આ વર્ષે નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી ખેડૂતો પાયમાલ બની ગયાં છે. ખેતરોમાં પુરના પાણી ફરી વળતાં ઉભો પાક નષ્ટ થઇ જવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. પાયમાલ થયેલા ખેડૂતોની દયનીય હાલત વિશે વિશેષ અહેવાલ….
મધ્યપ્રદેશમાં બારે મેઘ ખાંગા થતાં સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણીની આવ થતાં નર્મદા ડેમ 138.68 મીટરની સર્વોચ્ચ સપાટી સુધી ભરાય ગયો છે. ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે. નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવી જતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. નર્મદા નદીમાં આવેલા પુરની સૌથી વિનાશક અસર ભરૂચ અને અંકલેશ્વરના કાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે. અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા, ખાલપીયા ,સરફુરદીન ,શકકરપોર,બોર ભાઠા બેટ સહિતના આસપાસના 10 ગામોના નદી કાંઠા વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો ને રાતા પાણી એ રડવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર તાલુકા ના 1500 થી વધુ ખેડૂતો ની હજારો હેકટર જમીનમાં ઉભા પાક ને પૂરના પાણી એ બરબાદ કરી નાખ્યા છે. જયાં જુઓ ત્યાં પાણીએ વરસાવેલો કહેર જોવા મળી રહયો છે. અંકલેશ્વર તાલુકામાં ખેડૂતો કેળ, કપાસ ,પળવર,તુવેરના પાકનું વાવેતર કરતાં હોય છે. ખેતરોમાં બચેલો પાક લેવા માટે પણ તેમને જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે. ખેતીની સીઝન નિષ્ફળ જતાં ખેડૂતોને દેવું કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જગતનો તાત હવે ખેતરોમાંથી પુરના પાણી ઓસરે તેની રાહ જોઇ રહયો છે. રાજય સરકાર તરફથી પણ યોગ્ય સહાય કરવામાં આવે તેવી ધરતીપુત્રો માંગ કરી રહયાં છે.